<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

SIR કામગીરી વચ્ચે વડોદરામાં BLO સહાયક મહિલા ઉષાબેન સોલંકીનું કરૂણમોત : ગોરવા મહિલા ITIમાં નોકરી કરતા હતા

વડોદરામાં પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા મહિલા કર્મચારી ફરજ દરમિયાન અચાનક ઢળી પડ્યા : ડોકટરે મૃત જાહેર કર્યા

વડોદરામાં BLO સહાયકનું મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. BLO સહાયક કામગીરી દરમ્યાન અચાનક ઢળી પડ્યા હતાં. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યા હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઈટીઆઈ ખાતે નોકરી કરતા હતા અને આજે સવારે તેમની ફરજ પર હતા ત્યારે સહાયક કામગીરી દરમ્યાન અચાનક ઢળી પડ્યા અને ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. જો કે હાલ તેઓના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ સામે આવશે કે કેવી રીતે તેઓનું મોત થયું છે.

મૃતક મહિલા મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની હતા અને હાલમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા હતા. આ સમગ્ર ઘટનાની જાણ તેઓના પરિવારજનોને કરવામાં આવી હતી અને પરિવારમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આજે (21 નવેમ્બર) સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીનાં કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

(1:19 PM IST)