તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
ટ્રેક્ટર ચલાવનારને હેલ્મેટ ન પહેરવા બદલ મેમો
સામાન્ય રીતે હેલ્મેટનો નિયમ બે-ચક્રીય વાહન માટે લાગુ પડે છે, પરંતુ ટ્રેક્ટરચાલકને આપવામાં આવેલ આ મેમો એક અલગ જ પ્રશ્નો ઊભા કરે છે

અમદાવાદ, તા.૨૨: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમો અંગે ઘણી વાર ચર્ચા થાય છે, પરંતુ આ વખતે એક એવું બનાવ સામે આવ્યું છે કે જેને કારણે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાસ્તવમાં તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેમો વાયરલ થયો છે જેમાં ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ મેમો આપ્યો હોવાનો દાવો કરાયો છે. સામાન્ય રીતે હેલ્મેટનો નિયમ બેપ્રચક્રીય વાહન માટે લાગુ પડે છે, પરંતુ ટ્રેક્ટરચાલકને આપવામાં આવેલ આ મેમો એક અલગ જ પ્રશ્નો ઊભા કરે છે.
પ્રાથમિક માહિતી મુજબ આ મેમો ૩૧-૧૦-૨૦૨૫ના રોજ અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો. મેમોમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, ટ્રેક્ટર ચાલકે હેલ્મેટ પહેર્યું નહોતું, તેથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. મેમો અનુસાર તેને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેમો સોશિયલ મીડિયા પર આવતા જ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો.
આ તરફ હવે અનેક લોકોનો સવાલ એ છે કે, ટ્રેક્ટર માટે હેલ્મેટ ફરજિયાત છે કે નહીં? લોકો મજાકીય રીતે કહે છે કે, હવે ટ્રેક્ટર, રિક્ષા, કાર, કે પછી સાઇકલ પર પણ હેલ્મેટ ફરજિયાત થઈ જશે? બીજી તરફ કેટલાક લોકો ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે કે તેમને માત્ર દંડ વસૂલવામાં જ રસ છે? કેટલાક લોકો આ ઘટનાને ટ્રાફિક વિભાગની બેદરકારી ગણાવી રહ્યા છે. તેઓનો આરોપ છે કે ટ્રાફિક પોલીસ નિયમોનો યોગ્ય અભ્યાસ કર્યા વગર જ દંડ ફટકારી દે છે.
એવું તે શું છે આ વાયરલ મેમોમાં? : વાયરલ મેમામાં સ્પષ્ટ રીતે દેખાય છે કે, મેમો આપનાર અધિકારીએ ટ્રેક્ટરનો નંબર નોંધ્યો છે અને સાથે જ હેલ્મેટ ન પહેરવા બદલ એમ લખ્યું છે. આમાંથી પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું કોઈ ભૂલથી ખોટો નિયમ લાગુ થયો છે કે, વાસ્તવમાં ટ્રેક્ટર માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવાની કોઈ નવી વ્યવસ્થા છે? જોકે હજી સુધી ટ્રાફિક વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે હવે ઘણા લોકો કહી રહ્યા છે કે, જો ટ્રાફિક પોલીસનો ફોકસ માત્ર દંડ વસૂલવાનો જ રહી જશે, તો અસંગત મેમો જેવી ઘટનાઓ વધી શકશે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
