<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

અમદાવાદના એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતી મોટી સિન્ડિકેટનો પર્દાફાશ: 16 કરોડની દાણચોરીનો ઘટસ્ફોટ

અમદાવાદ એરપોર્ટ પર મહેસૂલ ગુપ્તચર વિભાગ દ્વારા સોનાની દાણચોરી કરતી મોટી સિન્ડિકેટનો પર્દાફાશ: પોલીસે એક મુસાફર, બે એરલાઇન્સ સ્ટાફ સહિત કુલ ચાર શખ્સોની ધરપકડ કરી

અમદાવાદ એરપોર્ટ પર મહેસૂલ ગુપ્તચર વિભાગ દ્વારા સોનાની દાણચોરી કરતી એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે 14 નવેમ્બરના રોજ એક ફ્લાઇટમાં સીટ નીચે લાઇફ જેકેટમાં છુપાવેલી સોનાની કેપ્સ્યુલ મળી આવી. DRI દ્વારા આશરે 1.3 કિલોગ્રામ સોનાની તપાસ કરવામાં આવતા દાણચોરી કરતી આ આખી સિન્ડિકેટની પોલ ખૂલી હતી.

આ કેસની તપાસના આધારે પોલીસે એક મુસાફર, બે એરલાઇન્સ સ્ટાફ સહિત કુલ ચાર શખ્સોની ધરપકડ કરી છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ઝડપાયેલી સિન્ડિકેટે છેલ્લા માત્ર બે મહિનાના ગાળામાં 10 જેટલી દાણચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. આ સિન્ડિકેટ દ્વારા કુલ રૂ.16 કરોડની સોનાની દાણચોરી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. DRI દ્વારા આ રેકેટના અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:48 PM IST)