તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd November 2025
હાઇકોર્ટના આદેશ બાદ તપાસ તેજ: પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાને સુરેન્દ્રનગર SPનું સમન્સ, રાજસ્થાનના યુવકના અપમૃત્યુ કેસમાં STTનો ધમધમાટ શરૂ
STT દ્વારા કરવામાં આવી રહેલી સઘન તપાસના પરિણામે હવે આ અપમૃત્યુના રહસ્ય પરથી ટૂંક સમયમાં જ પડદો ઊંચકાય તેવી શક્યતા

સુરેન્દ્રનગર: ગુજરાતના રાજકારણમાં અને પોલીસ બેડામાં ખળભળાટ મચાવનાર એક સંવેદનશીલ કેસમાં મોટો વળાંક આવ્યો છે. મૂળ રાજસ્થાનના અને ગોંડલમાં રહી અભ્યાસ કરતા યુવક રાજકુમાર ભાટ (જાટ) ના અપમૃત્યુના મામલે હવે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તપાસનું ચક્ર ઝડપી બન્યું છે. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ ખુલતાં, સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલું દ્વારા ખુદ ગણેશ જાડેજાને પૂછપરછ માટે હાજર રહેવા તેડું મોકલવામાં આવ્યું હતું. યુવકના અપમૃત્યુ પૂર્વેના વિડિયોમાં કરેલા આક્ષેપોને પગલે હવે સ્પેશિયલ ટાસ્ક ટીમ (STT) દ્વારા આ સમગ્ર પ્રકરણની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
મૃતક યુવક રાજકુમાર ભાટના પિતાએ અગાઉ રાજકોટ કોર્ટમાં ગણેશ જાડેજા સામે ધાર્મિક લાગણી દુભાવવા બદલ ફરિયાદ કરી હતી. યુવકના અપમૃત્યુ બાદ, તેણે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના માણસોના નામ સાથેનો એક વિડિયો બનાવીને વાયરલ કર્યો હતો, જેણે આ કેસને રાજકીય રંગ આપી દીધો હતો. પરિવારે આ મામલો પહેલા રાજકોટ કોર્ટમાં અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચાડ્યો, જ્યાંથી સમગ્ર કેસની તપાસ રાજ્ય STT (સ્પેશિયલ ટાસ્ક ટીમ) ને સોંપવાનો આદેશ થયો હતો. આ કેસની તપાસ હવે ડીવાયએસપી ડી.કે. પુરોહિતના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે.
STTની સૂચનાના પગલે, સુરેન્દ્રનગર એસ.પી. કચેરી ખાતે પૂછપરછનો ધમધમાટ શરૂ થયો છે. ગણેશ જાડેજા અને તેમની સાથે સંકળાયેલા અન્યોની પૂછપરછ માટે તેમને સવારે 9 વાગ્યે હાજર રહેવા જણાવાયું હતું. આ મહત્ત્વપૂર્ણ પૂછપરછ દરમિયાન એસ.પી. પ્રેમસુખ ડેલુંની સાથે સાથે એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસ આ મામલાના તમામ પાસાઓ, ખાસ કરીને વાયરલ વિડિયોમાં કરવામાં આવેલા આક્ષેપો અને યુવકના અપમૃત્યુ વચ્ચેના સંભવિત સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ગુજરાત હાઇકોર્ટના સીધા હસ્તક્ષેપને કારણે આ કેસમાં પારદર્શિતા અને તટસ્થતા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પર મોટું દબાણ છે. પૂર્વ ધારાસભ્યના પુત્રનું નામ સંકળાયેલું હોવાથી આ ઘટનાએ રાજકીય ગરમાવો વધાર્યો છે. STT દ્વારા કરવામાં આવી રહેલી સઘન તપાસના પરિણામે હવે આ અપમૃત્યુના રહસ્ય પરથી ટૂંક સમયમાં જ પડદો ઊંચકાય તેવી શક્યતા છે, અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે પોલીસ પૂરી ગંભીરતાથી કામ કરી રહી છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
