<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

ગાંધીનગર મેડિકલ કોલેજ પર ફરી કલંક: રેગિંગની ઘટનામાં ૧૪ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી રસ્ટિકેટ

સિનિયર્સ દ્વારા જુનિયર્સની ઠઠ્ઠા-મશ્કરી અને અપમાન: પાટણના દુ:ખદ બનાવ છતાં મેડિકલ કોલેજોમાં 'રેગિંગનો રાક્ષસ' બેકાબૂ

ગાંધીનગરઃ ગુજરાતની મેડિકલ કોલેજોમાં રેગિંગની ગંભીર ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ફરી એકવાર રેગિંગની કલંકરૂપ ઘટના સામે આવી છે. બીજા અને ત્રીજા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના નવા પ્રવેશ મેળવનાર જુનિયર વિદ્યાર્થીઓની ઠઠા મશ્કરી કરી હતી અને તેમને બોલાવીને પરાણે 'ઇન્ટ્રો' કરાવી હસી-મજાક કરી અપમાનિત કર્યા હતા. આ મામલે કોલેજ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસના અંતે ૧૪ જેટલા સિનિયર વિદ્યાર્થીઓને ૬ મહિનાથી લઈને બે વર્ષ સુધી હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે. જોકે, કોલેજ તંત્રએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને કોલેજમાંથી બરતરફ નથી કર્યા, પરંતુ આ કડક પગલું દર્શાવે છે કે સંસ્થા રેગિંગના મુદ્દે ગંભીર છે.
પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ સિનિયર વિદ્યાર્થીઓના વર્તનથી અપમાનિત થઈને કોલેજ સત્તાધીશોને લેખિત રજૂઆત કરી હતી. આ ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કોલેજ સત્તાધીશોએ તાત્કાલિક તપાસ શરૂ કરી. પૂછપરછ અને વિગતવાર તપાસના અંતે ૧૪ વિદ્યાર્થીઓ રેગિંગની ઘટના માટે જવાબદાર હોવાનું નક્કી થયું. કોલેજ તંત્રે આ વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખીને તેમને કોલેજમાંથી દૂર કરવાને બદલે, તેમને હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવાની સજા આપી. આ નિર્ણય લેતા પહેલા તમામ ૧૪ જવાબદાર વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવીને આ ગંભીર બાબતની જાણ કરવામાં આવી હતી. આ કડક પગલું રાજ્યની અન્ય મેડિકલ કોલેજો માટે પણ ચેતવણીરૂપ ગણી શકાય.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ એક વિદ્યાર્થીના મોતની કરુણ ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી. તે ઘટના બાદ ગાંધીનગર સહિત રાજ્યભરની મેડિકલ કોલેજોમાં રેગિંગ અટકાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા હતા. તેમ છતાં, ગાંધીનગર મેડિકલ કોલેજમાં આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. આ દર્શાવે છે કે, ઘણા વિદ્યાર્થીઓ આ નિયમો અને સૂચનાઓને ગંભીરતાથી લેતા નથી અને રેગિંગ વિરોધી પગલાંનો અસરકારક અમલ થતો નથી.
વર્તમાન ઘટનાની ગંભીરતા વધુ એટલા માટે છે કારણ કે, ગાંધીનગર મેડિકલ કોલેજમાં ગત વર્ષે માર્ચ મહિનામાં પણ રેગિંગની ઘટના બની હતી, જેમાં સિનિયર વિદ્યાર્થીઓએ એક જૂનિયર વિદ્યાર્થીને પટ્ટા વડે માર માર્યો હતો અને ઉઠક-બેઠક કરાવી હતી. જોકે, તે સમયે કોલેજ તંત્રે કોઈ દાખલારૂપ પગલાં લેવાને બદલે માત્ર માફી પત્ર લખાવીને મામલો સમેટી લીધો હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે 'કોલેજનું નામ ખરાબ ન થાય' તેવા ડર કે અન્ય કોઈ દબાણ હેઠળ આ મામલે ભીનું સંકેલી લેવાયું હતું. જો ગત વર્ષે કડક પગલાં લેવાયા હોત, તો કદાચ આ વર્ષની ઘટનાને અટકાવી શકાઈ હોત. આ ઘટનાઓ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓની માનસિકતા અને સંસ્થાકીય જવાબદારી પર ગંભીર સવાલ ઉઠાવે છે.

(12:43 PM IST)