<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

વડોદરામાં ગેસ લીકેજનો સિલસિલો યથાવત: કારેલીબાગમાં ડ્રેનેજ/ગેસ લાઇનમાં ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ

ફતેગંજની ઘટના તાજી ત્યાં જ વાયરોક હોસ્પિટલ નજીક રોડ નીચે ભભૂકી આગ: ફાયર બ્રિગેડે સમયસર પાણીનો મારો ચલાવી જાનહાનિ ટાળી

વડોદરા :વડોદરા શહેરમાં ઠંડીના માહોલ વચ્ચે પણ આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. ગતરોજ ફતેગંજ વિસ્તારમાં ડ્રેનેજમાં ગેસ લીકેજ થતાં આગ લાગ્યાની ઘટના હજી તાજી જ છે, ત્યાં આજે ફરી એક વખત શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગેસ લાઇનમાં લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. ચોસઠ જોગણી માતાના મંદિર પાસે વાયરોક હોસ્પિટલ નજીક રોડની નીચે પસાર થતી ગેસ લાઇનમાંથી અચાનક જ આગની ઊંચી જ્વાળાઓ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને ગભરાટ મચી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ તત્કાળ સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાન કિશોર પાટીલે જણાવ્યું કે, "અમને કોલ મળ્યો હતો કે કારેલીબાગ વાયરોક હોસ્પિટલ પાસે ગેસ લાઇનમાં લીકેજ છે અને આગ લાગી છે. સ્થળ પર પહોંચતા જ આગની જ્વાળાઓ ખાસી મોટી દેખાઈ હતી." પરિસ્થિતિની ગંભીરતા જોતાં ફાયર બ્રિગેડે તરત જ પાણીનો જોરદાર મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ, આગ ભૂગર્ભમાં છુપાયેલી ન રહે તે માટે ગેસ લાઇનનું કટ ઑફ કરાવીને સમગ્ર ચેનલ ખોલીને તપાસ કરવામાં આવી હતી, જેના કારણે મોટું જોખમ ટળી ગયું હતું.
ફાયર બ્રિગેડે થોડા જ સમયમાં આગને સંપૂર્ણ નિયંત્રણમાં લઈ લીધી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, ગેસ લાઇન લીકેજનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, વડોદરા શહેરમાં ઠંડીના માહોલ વચ્ચે પણ ગેસ લાઇન, ડ્રેનેજ સિસ્ટમ અને વાહનોમાં લીકેજના કારણે આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે, જે વડોદરા મહાનગરપાલિકા (VMC) અને ગેસ સપ્લાય કરતી એજન્સીઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. લોકોની સલામતી જાળવવા માટે તંત્ર દ્વારા ગેસ લાઈનોની તપાસ અને જાળવણીને ઝડપી અને વધુ સઘન બનાવવા માટે લોકોમાં માંગ ઉઠી રહી છે.
ફાયર વિભાગે શહેરીજનોને અપીલ કરી છે કે તેઓ આવી ઘટનાઓ પ્રત્યે સતર્ક રહે. જો કોઈ નાગરિકને ગેસની ગંધ આવતી હોય, પ્રેશર ઘટતું જોવા મળે અથવા રોડ પરથી અસામાન્ય અવાજ કે ધુમાડો દેખાય, તો તરત જ ફાયર વિભાગને જાણ કરવી. ફાયર અધિકારીઓના મતે, નાગરિકો દ્વારા સમયસર આપવામાં આવતી સૂચનાઓ જ ઘણીવાર મોટા અકસ્માતને ટાળી શકે છે. વડોદરામાં સતત બની રહેલી આ ઘટનાઓને પગલે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભૂગર્ભ ગેસ લાઈનોનું સઘન ઓડિટ થાય તે જરૂરી છે.

(3:05 PM IST)