News of Sunday, 23rd November 2025
'પોલીસ'ની ઓળખ આપી વેપારીનું અપહરણ અને ખંડણી: વડોદરા જેલના હવાલદાર યાજ્ઞિક ચાવડા સસ્પેન્ડ
ભરૂચના વેપારીનું કાર આંતરીને અપહરણ: ૫૦ લાખની ખંડણી માંગી ₹૪.૫૦ લાખનો તોડ કરનાર બે પોલીસકર્મી સહિત ૪ સામે ગુનો

વડોદરા, ગુજરાત - વડોદરા શહેરમાં કાયદાનું રક્ષણ કરનારા જ કાયદાનું ભક્ષણ કરતા હોવાની એક ગંભીર ઘટના સામે આવી છે. ભરૂચના એક વેપારીનું વડોદરાથી અપહરણ કરીને પોતે અમદાવાદ SOG પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને રૂ. ૫૦ લાખની ખંડણી માંગવામાં આવી હતી, અને આખરે રૂ. ૪.૫૦ લાખનો તોડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી, વડોદરા સેન્ટ્રલ જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા યાજ્ઞિક ચાવડાને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ અપહરણ અને ખંડણી કેસમાં બે પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવતાં રાજ્યના પોલીસ બેડામાં મોટો ખળભળાટ મચી ગયો છે.
આ કેસની વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના શેરપુરા રોડ પર રહેતા વેપારી અફાન ઉસ્માન કાની તેમની મહિલા મિત્રને એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવાના કામે વડોદરા આવ્યા હતા. કામ પતાવીને તેઓ ભરૂચ જવા રવાના થઈ રહ્યા હતા, ત્યારે એક કારમાં આવેલા શખસોએ તેમની કારને આંતરી હતી. તેમણે પોતે અમદાવાદ SOG પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને વેપારી અફાન કાનીનું અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ અફાન કાનીને જૂદા-જૂદા ગુનાઓમાં ફિટ કરી દેવાની ધમકી આપીને રૂ. ૫૦ લાખની ખંડણી માંગી હતી અને ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં આપે તો ખોટા કેસ કરીને ફસાવી દેશે. ત્યારબાદ બળજબરીથી તેમની પાસેથી રૂ. ૪.૫૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આ ગંભીર અપહરણ અને ખંડણીના કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિક ચાવડા અને કે. ડી. કુંભાર સહિત આફતાબ પઠાણ અને અન્ય એક મળીને કુલ ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ડીસીપી ઝોન-૩ અભિષેક ગુપ્તાની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને અપહરણકર્તાઓ પૈકીના બે આરોપીઓ યાજ્ઞિક ચાવડા તથા આફતાબ નઇમખાન પઠાણની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવ્યા હતા. જોકે, અન્ય એક પોલીસકર્મી સહિત કાના દાના કુંભાર સહિત બે આરોપીઓને હાલમાં વોન્ટેડ જાહેર કરાયા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.
પોલીસની ઓળખ આપીને ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનામાં સરકારી કર્મચારીઓ સંડોવાયેલા હોવાની ઘટનાએ રાજ્યના પોલીસ અને જેલ વિભાગની છબી પર કાળો ડાઘ લગાવી દીધો છે. જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા યાજ્ઞિક ચાવડાની આખરે ધરપકડ બાદ, વિભાગ દ્વારા તેમની તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ કડક પગલું દર્શાવે છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈપણ પોલીસકર્મીને બક્ષવામાં આવશે નહીં. પોલીસ વિભાગ હવે ફરાર આરોપીઓની ધરપકડ કરીને આ સમગ્ર ષડયંત્રના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
