<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

વડોદરાની ઠગ ટોળકીનો મોટો ખેલ: સસ્તા સોના અને લોનની લાલચ આપી કર્ણાટકના વેપારી પાસેથી રૂ.૪.૯૨ કરોડ પડાવ્યા

મુજ મહુડા અને અલકાપુરીની ઓફિસો બની ઠગાઈનો અડ્ડો: પોલીસ રેડનું નાટક કરીને વેપારીને ભગાડ્યો, ૧૮ શખ્સો સામે ગુનો દાખલ

વડોદરા, ગુજરાત - વડોદરા શહેરમાં સસ્તા સોનાની લાલચ આપીને લોકોને ફસાવતી એક મોટી આંતરરાજ્ય ઠગાઈની ઘટના સામે આવી છે. વડોદરામાં ઓફિસ ધરાવતા શખ્સોએ સસ્તું સોનું અને બિઝનેસ લોન આપવાની લાલચ આપીને કર્ણાટકના એક વેપારીને જાળમાં ફસાવી કુલ રૂ.૪.૯૨ કરોડની માતબર રકમ પડાવી લીધી હતી. ખંડણીખોરોએ સોનાની ડિલિવરી ન આપવી પડે તે માટે નકલી પોલીસ રેડનું નાટક કરીને વેપારીને ઓફિસમાંથી ભાગી જવા માટે મજબૂર કર્યા હતા. આ મામલે છેતરાયેલા વેપારીએ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ૧૮ જેટલા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે.
આ બનાવની શરૂઆત માર્ચ ૨૦૨૫ માં થઈ હતી, જ્યારે કર્ણાટકના વિજયનગર નજીક રહેતા અને ઈ-કોમર્સનો બિઝનેસ કરતા મંજુ આર રવિનો સંપર્ક મુંબઈના એક ટ્રેડર ચિંતન સાથે થયો હતો. ચિંતને મંજુ રવિને વડોદરામાં ઓફિસો ધરાવતા અને સસ્તું સોનું તથા લોન આપતા પોતાના મિત્રો વિશે વાત કરી. આ પછી ચિંતન મારફતે મંજુ રવિનો પરિચય વડોદરાના મુજ મહુડા વિસ્તારમાં સિગ્નેટ હબ ખાતે ઓફિસ ધરાવતા વિશાલ બારોટ સાથે થયો હતો. વિશાલની પાર્ટનર નયના ચાવડા પણ આ ઓફિસમાં હાજર હતી, જ્યાં ૨૫ થી ૩૦ લોકો કામ કરતા હતા. પહેલી મુલાકાતમાં વિશાલ બારોટે રૂ.૧૦ લાખ લઈને ૧૦૦ ગ્રામ સોનું આપીને વેપારીનો વિશ્વાસ જીત્યો હતો.
વિશ્વાસ વધ્યા બાદ વિશાલ બારોટે મંજુ રવિને કિલોમાં સોનું અને રૂ.૧૦ કરોડની લોન અપાવવાની તૈયારી બતાવી. આ માટે તેણે ટુકડે ટુકડે કુલ રૂ.૩૧ લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ વિશાલે વેપારીનો પરિચય અલકાપુરીમાં રાધે ફાઇનાન્સ એન્ડ ઈમ્પોર્ટ એક્સપોર્ટના સંચાલક રાજવીર પરીખ ઉર્ફે ઈલીયાસ અજમેરી સાથે કરાવ્યો. રાજવીરે પણ સસ્તું સોનું અપાવવાની અને કમિશન આપવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો. વેપારીએ રાજવીર પાસેથી ૨૪ તોલા સોનાના બિસ્કીટ મેળવ્યા, જેનાથી તેમનો વિશ્વાસ મજબૂત થયો. આ પછી મંજુ રવિએ પરિચિતો પાસેથી રૂપિયા ભેગા કરીને રાજવીરને સોના માટે બીજા રૂ.૪.૬૧ કરોડ આપ્યા, પરંતુ ત્યારબાદ રાજવીરે વાયદા કરવાનું શરૂ કર્યું.
સોનાની ડિલિવરી ન આપવી પડે તે માટે રાજવીરે અને તેના સાગરીતોએ છેતરપિંડીનો નવો જ ખેલ શરૂ કર્યો. જ્યારે મંજુ રવિ તેમના મિત્રો સાથે રાજવીરની ઓફિસમાં ગયા, ત્યારે એક પોલીસવાળો આવ્યો અને રેડ પડવાનું નાટક કરીને તેમને ભાગી જવાનું કહ્યું. આવી જ રીતે, જ્યારે તેઓને ભરૂચ મોકલવામાં આવ્યા, ત્યારે ડુપ્લીકેટ પોલીસની રેડના નામે તેમને કારમાંથી ઉતારી દેવામાં આવ્યા. આમ, રાજવીર પરીખે રૂ.૪.૬૧ કરોડ અને વિશાલ બારોટ, નયના ચાવડા સહિત અન્ય સાગરીતોએ લોન માટે રૂ.૩૧ લાખ મળીને કુલ રૂ.૪.૯૨ કરોડની છેતરપિંડી કરી હતી. આ મામલે જે.પી. રોડ પોલીસે મુખ્ય ઠગ રાજવીર પરીખ, વિશાલ બારડ, નયનાબેન ચાવડા સહિત કુલ ૧૮ જણા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

 

(4:05 PM IST)