<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

અંબાલાલ પટેલની મોટી આગાહી: ઠંડીમાં વધઘટ વચ્ચે કડકડતી ઠંડી, માવઠું અને બંગાળની ખાડીમાં ચક્રવાતનો ખતરો

ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં કમોસમી વરસાદનું અનુમાન: ૨૨ ડિસેમ્બર પછી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડશે

ગાંધીનગર/અમદાવાદ - ગુજરાતના સુપ્રસિદ્ધ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના આગામી હવામાનને લઈને એક મોટી અને મહત્ત્વની આગાહી કરી છે. તેમના મતે, હાલમાં પવનની દિશામાં ફેરફાર થવાથી ઠંડીનું જોર ઘટ્યું છે, પરંતુ આ સ્થિતિ લાંબો સમય ટકશે નહીં. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો, કમોસમી વરસાદ (માવઠું) અને બંગાળની ખાડીમાં ચક્રવાતનો ખતરો એમ ત્રણેય પ્રકારનું હવામાન જોવા મળી શકે છે. હાલમાં એશિયા અને યુરોપ ખંડના પવનો મર્જ થવાથી ઠંડીનો અનુભવ થયો હતો, પરંતુ લઘુત્તમ તાપમાન વધવાથી હવે ઠંડીની અસર ઓછી થઈ છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો ત્યારે જ વર્તાશે જ્યારે પશ્ચિમી મજબૂત વિક્ષેપ (Western Disturbance) આવશે. હાલમાં હવામાનમાં વારંવારના પલટાને કારણે ઠંડીમાં વધઘટ જોવા મળશે. જોકે, તેમણે જાન્યુઆરી મહિનામાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને, ડિસેમ્બરના બીજા સપ્તાહમાં જ્યારે પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે, ત્યારે તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પછીથી વર્તાશે. તેમના મતે, ૨૨ ડિસેમ્બર પછી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે અને હાડ થિજવતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.
ઠંડીના બદલાતા મિજાજ વચ્ચે અંબાલાલ પટેલે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આપ્યા છે. તેમણે કમોસમી વરસાદ અને ચક્રવાતની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે નવેમ્બર મહિનાના અંતમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત ઉદ્ભવશે, જે નવેમ્બરના અંતથી ડિસેમ્બરના પ્રારંભે સક્રિય થશે. આ ઉપરાંત ૨-૩ ડિસેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ફરી એક હળવું દબાણ સર્જાશે. ચક્રવાતની આ સ્થિતિના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. તેમણે ખાસ કરીને ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠા (કમોસમી વરસાદ)નું અનુમાન વ્યક્ત કર્યું છે, જેના કારણે ખેડૂતોને પાક સંરક્ષણ માટે ચેતવા જરૂરી છે.
ગુજરાતના બદલાતા હવામાનની સાથે જ ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ અને બિહાર માટે પણ નવું અપડેટ જારી કર્યું છે. IMD મુજબ, દિલ્હીમાં આજથી, રવિવાર (૨૩ નવેમ્બર) થી ઠંડી વધુ તીવ્ર બનશે. સવારે હળવું ધુમ્મસ રહેશે, પરંતુ દિવસ દરમિયાન હવામાન સ્વચ્છ રહેવાની અને સૂર્ય દેખાવાની શક્યતા છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

(4:10 PM IST)