News of Sunday, 23rd November 2025
વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક: નવાયાર્ડમાં યુવકને રસ્તા વચ્ચે ઘેરીને ગડદાપાટુનો માર માર્યો
CCTV ફૂટેજ વાયરલ થતાં પોલીસની કાર્યક્ષમતા પર સવાલ: શહેબાઝ પઠાણ અને તેના સાથીઓએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી

વડોદરા: શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે, જ્યાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. નવાયાર્ડ વિસ્તારમાં ખાખીનો ખોફ હવે આવા તત્વોમાં રહ્યો નથી તેવી ચર્ચા વચ્ચે એક યુવક પર જાહેરમાં હુમલો થયો છે. સહેબાજ પઠાણ અને તેના બે સાથીઓએ એક યુવકને રસ્તા વચ્ચે ઘેરીને ગડદાપાટુનો માર માર્યો હતો. આ સમગ્ર દાદાગીરીના CCTV ફૂટેજ વાયરલ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ફરિયાદી, જે નવાયાર્ડ વિસ્તારનો રહેવાસી છે અને ઓટો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે, તે રાત્રે લગભગ ૯:૩૦ વાગ્યે તેના ફઈના દીકરા અજીમખાન સાથે એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યો હતો. ફૂલવાડી ચોકડી નજીકથી ડી કેબીન તરફ જતી વખતે અજીમખાનને ફોન આવતા તેણે એક્ટિવા રોડની સાઈડમાં ઊભી રાખી હતી. તે દરમિયાન શહેબાઝ પઠાણ તેની મોપેડ લઈને ત્યાં આવી ચઢ્યો હતો અને કોઈ પણ કારણ વિના બંને યુવકોને ગંદી ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું.
ફરિયાદીએ શહેબાઝને ગાળો ન આપવા કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો અને અજીમખાનના ગાલ પર લાફો મારી દીધો હતો. ફરિયાદીએ વચ્ચે પડતા શહેબાઝે તેની સાથે પણ છુટ્ટા હાથે મારધાડ શરૂ કરી. તે દરમિયાન શહેબાઝના બે અજાણ્યા સાથીદારો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્રણેય હુમલાખોરોએ મળીને ફરિયાદીને રોડની સાઈડમાં ખેંચી નાખ્યો હતો અને ગંદી ગાળો બોલતા ગડદાપાટુનો માર માર્યો હતો, તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જ્યારે ફરિયાદીનો મોટો ભાઈ નાસીરખાન વચ્ચે બચાવવા આવ્યો, તો હુમલાખોરોની ગેંગે તેને પણ ફેટા વડે માર માર્યો હતો.
હુમલા દરમિયાન ફરિયાદીને શરીરે મૂઢમાર અને માથામાં ઇજાઓ થતાં તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર હુમલાના સાક્ષી અજીમખાન અને નાસીરખાન બન્યા હતા. આ મામલે ફતેહગંજ પોલીસ મથકે શહેબાઝ પઠાણ અને તેના બે અજાણ્યા સાથીદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ નોંધાઈ છે. નવાયાર્ડ વિસ્તારમાં જાહેરમાં થયેલી આ દાદાગીરીએ સ્થાનિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગાવ્યો છે. હવે પોલીસ આ વાયરલ સીસીટીવી ફૂટેજના આધારે બાકીના આરોપીઓને ક્યારે પકડે છે, તે જોવાનું રહે છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
