<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

ગુજરાતમાં ૫ વર્ષમાં સાયબર ક્રાઈમ ૩૦ ટકા વધ્‍યો

૯ મહિનામાં ૧૦૧૧ કરોડની ઠગાઈ...રોકાણમાં ઊંચા વળતરની લાલચના કેસ વધુઃ ૨૦૨૫માં દરરોજની સરેરાશ ૫૨૧ ફરિયાદો

અમદાવાદ તા.૨૪: ગુજરાતમાં સાયબર ક્રાઈમ ચિતાજનક રીતે વધી રહ્યો છે. સાયબર ક્રાઈમ અટકાવવા સીઆઈડી (ક્રાઈમ) અને ગુજરાત પોલીસ સતત સક્રિય છે. સરકાર પણ જનજાગૃતિ અભિયાનો ચલાવી રહી છે તેમ છતાં સાયબર ક્રાઈમ પર નિયંત્રણ લાવી શકાયું નથી. રાજ્‍યમાં છેલ્‍લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચિતાજનક ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૫ના સપ્‍ટેમ્‍બર મહિના સુધીમાં જ સાયબર અપરાધીઓએ લોકોના રૂપિયા ૧,૦૧૧ કરોડ ચાઉં કરી લીધા છે.

મળતી વિગત મુજબ, સૌથી વધુ ઠગાઈ રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપીને કરવામાં આવી છે. માત્ર રોકાણના બહાને જ ૯,૨૪૦ લોકો સાથે છેતરપિડી આચરીને કુલ રૂ.૩૯૭ કરોડનો ચૂનો ચોપડવામાં આવ્‍યો છે. આ ઉપરાંત ખોટી ઓળખ આપીને, ઓટીપી (ઓટીપી) અને કાર્ડ ફ્રોડના કિસ્‍સાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ખોટી ઓળખ આપીને ગઠિયાઓએ ૨૭,૮૧૬ લોકો પાસેથી રૂપિયા ૧૩૭ કરોડ ખંખેરી લીધા છે.

વર્ષ ૨૦૨૦માં રોજના સરેરાશ ૧૫૫ ઓનલાઈન ગુના-ફરિયાદ નોંધાતી હતી. જ્‍યારે વર્ષ ૨૦૨૫માં દરરોજની સરેરાશ ૫૨૧ ફરિયાદો આવી રહી છે. .છેલ્‍લા ૫ વર્ષમાં કુલ ૪.૮૧ લાખ ફરિયાદો નોંધાઈ છે, જેમાં નાગરિકોએ કુલ રૂ.૩,૩૮૭ કરોડ ગુમાવ્‍યા છે. જોકે, રાહતની વાત એ છે કે પ્રતિ ફરિયાદ સરેરાશ નુકસાનની રકમમાં બહુ મોટો વધારો થયો નથી. ૨૦૨૦માં રૂ.૭૦,૩૧૩ સામે ૨૦૨૫માં રૂ.૭૧,૨૦૪ ગુમાવવાનો વારો આવ્‍યો છે.

સાયબર નિષ્‍ણાતોના મતે, ગઠિયાઓની મોડસ ઓપરેન્‍ડી બદલાઈ છે. હવે તેઓ ખાસ કરીને પેન્‍શનર્સ અને એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝન્‍સને ટાર્ગેટ કરી રહ્યા છે. ખોટો ભય બતાવી, પોલીસ કે સીબીઆઈના નામે ધમકાવી ‘હાઉસ એરેસ્‍ટ' કરવાના બહાને અથવા શંકાસ્‍પદ એપ્‍લિકેશન ડાઉનલોડ કરાવીને તેમના જીવનભરની મૂડી લૂંટી લેવામાં આવે છે

(10:08 AM IST)