<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

વડોદરાના માલેજ નજીક બુલેટ ટ્રેનની સાઈટ પર અકસ્માત : હાઈડ્રોલિક મશીનનો હુક તૂટી પડતાં નીચે કરતા યુવકનું મોત

મૃતક ઝાવેદ મૂળ રાજસ્થાનનો વતની : થોડા સમય પહેલા જ રોજગારીની શોધખોળમાં વડોદરા આવ્યા હતા. જ્યાં તેઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટમાં મજૂરી કરતો હતો

વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માલેજ સ્થિત સાઈટ પર હાઈડ્રોલિક મશીનનો હુક તૂટીને નીચે કામ કરી રહેલા શ્રમિક પર પડ્યો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, L & T કંપની દ્વારા માલેજ નજીક બુલેટ ટ્રેન માટે કામગીરી ચાલી રહી છે. જ્યાં સાડા ચાર વાગ્યાની આસપાસ હાઈડ્રોલિક મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેની સાથે જોડાયેલ હુક અચાનક નીચે પડ્યો હતો. આ સમયે નીચે કામ કરી રહેલા ઝાવેદ નિઝામુદ્દીનને ગળા અને ખભાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી.

આથી અન્ય કર્મચારીઓ તાત્કાલિક ઝાવેદને એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન ઝાવેદનું મૃત્યુ નિપજ્યું હતુ.

બીજી તરફ આ બનાવની જાણ થતાં અટલાદરા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક ઝાવેદ મૂળ રાજસ્થાનનો વતની હતો. જે થોડા સમય પહેલા જ રોજગારીની શોધખોળમાં વડોદરા આવ્યા હતા. જ્યાં તેઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટમાં મજૂરી કરતો હતો

(10:38 PM IST)