<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ઈદરીશના ભાઈના ઘેર કરોડોની નકલી નોટો ગણવા પોલીસે નોટો ગણવાના મશીનો મંગાવ્‍યા

કુવિખ્‍યાત ઠગને પકડવા જેપી પોલીસ સ્‍ટેશન સાથે PCB, SOG ટીમો ડાકોર સુધી વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર દ્વારા મોકલવામાં આવી, તપાસનો ભારે ધમધમાટ : ૩ કિલો નકલી સોનું મળતા ફોરેન્‍સિક ટીમો પણ સીપી દ્વારા તાબડતોબ મોકલી આપેલઃ ચિલ્‍ડ્રન બેન્‍ક ઓફ ઇન્‍ડિયા લખેલ નોટો કોને પધરાવવાની હતી?: પોલીસ એકશન મોડમાં

રાજકોટ, તા.ર૬: કર્ણાટકના વ્‍યાપારી સહિત ૧૩ લોકો સાથે પોતાની પેટર્ન મુજબ સસ્‍તા ભાવે સોનું આપવાના બહાને ૪.૯૨ કરોડની છેતરપિંડી કરનાર વડોદરાના કુવિખ્‍યાત ઇલ્‍યાસને શોધવા વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાંરે જે.પી.નગર પોલીસની મદદમાં બનાવની ગંભીરતા પારખી પીસીબી અને એસઓજી ની વિશેષ ટીમો મદદમાં રાખી તેના ભાઈના ઘેર સહિત તેના આશ્રયસ્‍થાન પર રેડ કરાવી  હતી.

ઇલિયાસની ભારે શોધ ખોળ છતાં મળી ન આવતા પોલીસ કમિશનર નરસિંહમા કોમારની સુચનાથી તેના ભાઈને ત્‍યાં પોલીસ ટીમો ત્રાટકી હતી.

આ ટોળકીનો મુખ્‍ય સુત્રધાર ઈલ્‍યાસ અજમેરી હજી પોલીસ પકડથી ભાગી રહ્યો છે. ત્‍યારે તપાસમાં પોલીસે તાંદલજામાં રહેતા ઈલ્‍યાસ અજમેરીના ભાઈના ઘરે તપાસ કરતા ત્‍યાંથી ૩ કિલો નકલી સોનાના બિસ્‍કિટ તથા રૂ.૧.૬૨ કરોડની નકલી ચલણી નોટો મળી આવી હતી. સામવારે જે.પી રોડ પોલીસ, પીસીબી તથા એસઓજીની ટીમ ઈદ્રિસ અજમેરીના ઘરે પહોંચી તપાસ શરૂ કરી હતી. ગુનો નોંધાતા ઇલ્‍યાસ ભાઈના ઘરે બેગો મુકી ગયો હતો. પોલીસને ઈદ્રિસના ઘરેથી ૫૦ નંગ નકલી સોનાના બિસ્‍કિટ લગભગ ૩ કિલોના મળી આવ્‍યા હતા.સાથે જ પોલીસને રૂ.૧.૬૨ કરોડની ચિલ્‍ડ્રન - બેંક ઓફ ઈન્‍ડિયા લખેલી નકલી ચલણી નોટો મળી હતી. પોલીસ દ્વારા ઈદ્રિસના ઘરે સઘન તપાસ કરવામાં આવી હતી. જ્‍યાં પોલીસ ફોરેન્‍સિક વેન તથા નોટો ગણવાના મશીન સાથે પહોંચી હતી. પોલીસ દ્વારા નકલી સોનુ તથા ચલણી નોટોની ગણતરી કર્યા બાદ તેને કબ્‍જે કરવામાં આવી હતી. ઈલ્‍યાસ અજમેરી પકડાયા બાદ વધુ વિગતો સામે આવશે તેમ પોલીસે કહ્યું હતું.

પોલીસ સૂત્રોના કથન મુજબ ઈલાસના ભાગીદાર હોવાનું કહેવાતા ભરત અને વિરલ પોલીસ પક્કડમાં આવી ગયા છે.

ત્રણ વર્ષ પહેલાં ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા ઈલ્‍યાસ અજમેરીને ડાકોરમાંથી પકડી પાડવામાં આવ્‍યો હતો. અગાઉ ઈલ્‍યાસે કર્ણાટક તથા દિલ્‍હીના વેપારીને આ જ પેટર્ન મુજબ સસ્‍તા ભાવે સોનું અપાવવાના બહાને ઠગાઈ કરી હતી. ઈલ્‍યાસના ડાકોરમાં કોઈ સંબંધી છે કે કેમ? તેના મિત્રો છે કે કેમ? સહિત તપાસીને પોલીસ સંભવીત સ્‍થળો પર શોધખોળ કરાશે.

(4:09 PM IST)