<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

દેશના નાગરિકોને એકબીજા સાથે જોડી રાખવા માટે બંધારણનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન: વૈધાનિક અને સંસદીય બાબતો મંત્રી ઋષિકેશ પટેલ

ગાંધીનગર ખાતે ‘બંધારણ દિવસની ઉજવણી’ નિમિત્તે મુખ્ય સચિવ એમ.કે.દાસ સહિત ઉચ્ચ અધિકારીઓએ બંધારણના આમુખનું કર્યું સમૂહમાં પઠન

ગાંધીનગર : ભારતના ‘બંધારણ દિવસ’ની ગરિમામય ઉજવણીનું આયોજન આજે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકૂલ-૧ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વૈધાનિક અને સંસદીય બાબતના  મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ સહિત ઉચ્ચ અધિકારીઓએ બંધારણના આમુખનું સમૂહમાં પઠન કર્યું હતું.
વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે ૭૬માં બંધારણ દિવસની શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બંધારણની જ્યારે પણ વાત આવે એટલે બંધારણને જીવવું પડે. દેશના નાગરિકોને એકબીજા સાથે જોડી રાખવા માટે બંધારણનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. ભારતને આઝાદી મળી ત્યારે દેશમાં વિવિધ સાંસ્કૃતિક ધરોહર, વિભિન્ન વિચારસરણી, પ્રાદેશિકતા, વિવિધ કલ્ચર, જુદી-જુદી બોલીઓ જોવા મળતી હતી. જે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત બનાવવાનું સ્વપ્ન પણ સેવ્યું હતું. વર્ષો સુધી અખંડ ભારત બની રહે તેમજ નાગરિક અને ચૂંટાયેલી સરકારો વચ્ચે ભવિષ્યની અંદર મતભેદ ઉભા ન થાય તે હેતુસર એક બંધારણની રચના કરવાની ખૂબ જ આવશ્યકતા હતી. જે માટે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મુનશીજી સહિત વિદ્વાનોએ વિવિધ બેઠકોનું આયોજન કરીને ભારતના શ્રેષ્ઠ બંધારણની રચના કરી હતી. 
મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદી જ્યારે પહેલી વખત દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે સૌ પ્રથમ બંધારણને નમન કરીને તેમજ બંધારણની મર્યાદાઓમાં રહીને શાસન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આપણાં બંધારણે જ્યારે છેવાડાના માનવી સુધીની ચિંતા કરી હોય ત્યારે એ બંધારણને સાચા અર્થમાં સાર્થક કરવા વડાપ્રધાનએ ગરીબ અને છેવાડાના માનવીની ઉન્નતિ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. આપણું બંધારણ દેશના નાગરિકોના હ્રદયમાં કાયમ બિરાજમાન રહે તે માટે વડાપ્રધાનના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૫થી દર વર્ષે તા. ૨૬મી નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
મંત્રી ઋષિકેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે, અમેરિકામાં બંધારણ માત્ર લિખિત સ્વરૂપમાં છે, જ્યારે બ્રિટનની અંદર પરંપરાગત તેમજ વર્ણ લખાયેલું બંધારણ અમલી છે. પરંતુ આપણા દેશની અંદર બંધારણમાં દરેક બાબતને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. દરેક બાબતની અંદર ક્યાંય ખોટું અર્થઘટન ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. છતાંપણ ભવિષ્યમાં કદાચ મતભેદ થાય તો તે માટે ન્યાયિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ પણ આપણા બંધારણના આમુખ અને આમુખના મૂળભૂત તત્વોને ધ્યાને રાખીને ચુકાદાઓ આપતી હોય છે.
શાબ્દિક સ્વાગત કરતાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે જણાવ્યું હતું કે, આજે સંવિધાન દિવસની ઉજવણીનો એક ગરિમામય પ્રસંગ છે. રાષ્ટ્રના મહાન સપૂતોએ અદ્વિતીય અને અનોખું બંધારણ આપણાં દેશને આપ્યું છે. અંદાજે ૧૪૦ કરોડ દેશવાસીઓએ આ બંધારણને એક પવિત્ર ગ્રંથ માન્યો છે. આપણા બંધારણના અંગીકરણને આજે ૭૬ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે બંધારણને માત્ર પુસ્તક સ્વરૂપે ન જોતાં રાષ્ટ્રહિત સર્વોપરી ભાવને આપણી જીવનશૈલી બનાવવી જોઈએ. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત ૨૦૪૭ માટે બંધારણનો આધાર લઈને આગળ વધવા સૌને સાથે મળીને સંકલ્પ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે વિવિધ વિભાગોના સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(7:07 PM IST)