<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ધરમપુરમાં ચિંતન શિબીરનો પ્રારંભઃ વિવિધ મુદ્દે ચર્ચા

રાજય સરકારની ચિંતન શિબિર માટે મંત્રી મંડળ સહિત ઉચ્‍ચ અધિકારીઓ અમદાવાદથી ‘વંદે ભારત' સુપરફાસ્‍ટ ટ્રેન દ્વારા વલસાડ પહોંચ્‍યાઃ રપ૦થી વધુ અધિકારીઓ જોડાયા

રાજકોટ તા. ર૭: આજથી વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે  શરૂ થતી ચિંતન શિબિર માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્‍ય મંત્રીમંડળના સભ્‍યો તેમજ ઉચ્‍ચ અધિકારીઓએ વહેલી સવારે અમદાવાદ રેલવે સ્‍ટેશન ખાતેથી વંદે ભારત સુપરફાસ્‍ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસરૂપે પ્રસ્‍થાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ રાજ્‍ય વહીવટને વધુ નાગરિક કેન્‍દ્રિત બનાવી, તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ ૨૦૦૩થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વમાં રાજ્‍ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ'ની થીમ સાથે ચિંતન શિબિરની ૧૨મી કડીનું આયોજન કર્યું છે.

આ શિબિરમાં સહભાગી થવા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્‍યો તેમજ મુખ્‍યસચિવ શ્રી મનોજ કુમાર દાસ સહિત રાજ્‍ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓ-સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલ સેવાની ‘વંદે ભારત' સુપરફાસ્‍ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી ધરમપુર પહોંચ્‍યા હતા.

આજે બપોરે ત્રિ-દિવસીય ચિંતન શીબીરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. જેમાં મંત્રીમંડળ અને અધિકારીઓ સહીત રપ૦ થી વધુ લોકો જોડાયા હતા. સામુહિક ચિંતનથી સામુહિક વિકાસની થીમ ઉપર વલસાડના ધરમપુર ખાતે ૩ દિવસ મંથન કરવામાં આવનાર છે. વિકસીત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ અંગે ચિંતન થશે.

ઉપરાંત એઆઇ, હરિત ઉર્જા, પોષણ, આરોગ્‍ય, સલામતી તથા સેવાક્ષેત્ર સહિતના મુદ્‌ાઓ ઉપર મંથન કરવામાં આવનાર છે.

(3:24 PM IST)