<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી ૧૦,૦૦૦નો ચૂનો લગાવ્યો

ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરાઃરવિવારે સવારે Google Payના નકલી કન્ફર્મેશન મેસેજથી ૩૫ વર્ષીય ફેક્ટરી કર્મચારી સાથે રૃ. ૧૦,૦૦૦ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે

અમદાવાદ,તા.૨૭

અમદાવાદમાં સાયબર છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ગઠિયાઓ ATM કેબિનમાં જ ઊભા રહીને લોકોને છેતરી રહ્યા છે.

વટવા વિસ્તારમાં આવેલા એક છ્સ્ કેબિનમાં રવિવારે સવારે Google Payના નકલી કન્ફર્મેશન મેસેજથી ૩૫ વર્ષીય ફેક્ટરી કર્મચારી સાથે રૃ. ૧૦,૦૦૦ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, વટવા ખાતે કાચની બોટલ બનાવતી કંપનીમાં કામ કરતા  ૩૫ વર્ષીય ગુલાબચંદ અવધૂપ્રસાદ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. રવિવારે (૨૩ નવેમ્બર) સવારે ૧૦ઃ૧૫ વાગ્યે, GIDC વટવા ફેઝ-૧ ખાતે આવેલા SBI ATM કેબિનમાં ગુલાબચંદ પોતાની પત્ની નીતુ દેવીના SBI  ખાતામાં રૃ. ૧૫,૦૦૦ જમા કરાવ્યા અને પોતાના PNB ખાતામાં રૃ. ૧૦,૦૦૦ જમા કરાવ્યા હતા. તેઓ ATMમાં હતા એ દરમિયાન જ ૩૫થી ૪૦ વર્ષની વયનો એક અજાણ્યો શખસ તેમની પાસે આવ્યો અને તેઓ ગૂગલ પેનો ઉપયોગ કરે છે તેવો પ્રશ્ન પૂછ્યો. ગુલાબચંદે હા પાડતા શખસે દાવો કર્યો કે, ATM મશીનમાંથી રોકડ નીકળતી નથી. તેથી, તેને ૧૦,૦૦૦ રૃપિયા રોકડ માંગ્યા અને ગૂગલ પે દ્વારા રકમ ટ્રાન્સફર કરવાનું જણાવ્યું.

ત્યારબાદ ગુલાબચંદે શખસની મદદ કરવાની ઈચ્છા સાથે પોતાનો ગૂગલ પે નંબર આપ્યો. જોકે, શખસે પોતાના મોબાઈલમાં ૧૦,૦૦૦ રૃપિયા ટ્રાન્સફર થયાનો એક મેસેજ બતાવ્યો જે નકલી હતો. પરંતુ, ગુલાબચંદે તેને સાચો માનીને ૧૦,૦૦૦ રૃપિયા રોકડ આપી દીધા હતા. બાદમાં જ્યાારે તેમણે ઘરે જઈને ફોન ચેક કર્યો તો તેમનામાં કોઈ ગૂગલ પે ટ્રાન્ઝેક્શન મળ્યું નહતું. પરંતુ, એક લિંકની નોટિફિકેશન મળી હતી. બાદમાં જ્યારે ATM સિક્યોરિટી ગાર્ડ પાસે જઈને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, લિંક ફન્ડ ટ્રાન્સફર સંબંધિત નહતી. પરંતુ, છેતરપિંડી એપ્સ સાથે જોડાયેલી હતી.

સમગ્ર ઘટના વિશે જાણીને ગુલાબચંદને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ અને બાદમાં તેમણે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. વટવા GIDC પોલીસે છેતરપિંડી સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધીને ATM અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ દ્વારા આરોપીની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

(10:12 PM IST)