હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઃ અમદાવાદમાં બુલડોઝર એકશન શરૂઃ મોદી સ્ટેડિયમની આસપાસના રસ્તાઓ માટે મકાનોનું ડિમોલિશન શરૂ!
પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તાના વિસ્તરણમાં અડચણરૂપ બનેલા ગેરકાયદેસર અને કપાતમાં આવતા મકાનોને દૂર કરવામાં આવ્યા

અમદાવાદ, તા.૨૯: અમદાવાદ શહેરને ૨૦૩૦ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એક્શન મોડમાં આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ માટે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્લોબલ લુક આપવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરાની આસપાસના વિસ્તારોમાં ડિમોલિશનની મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી વહેલી સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી, જેમાં રસ્તાના વિસ્તરણમાં અડચણરૂપ બનેલા ગેરકાયદેસર અને કપાતમાં આવતા મકાનોને દૂર કરવામાં આવ્યા હતા. આ ડિમોલિશનનો મુખ્ય હેતુ કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં સંભવિત ઓલિમ્પિક્સ ૨૦૩૬ માટેના રોડ મેપ હેઠળ શહેરને સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવવાનો છે.
આ ડિમોલિશન પાછળનું મોટું કારણ મોદી સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં સર્વોદય સ્પોર્ટ્સ એન્ક્લેવના નિર્માણની યોજના છે. આ મેગા સ્પોર્ટ્સ હબ બનાવવા માટે હજારોની સંખ્યામાં ઝૂંપડા અને મકાનોને કપાતમાં લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, માત્ર રોડ પહોળા કરવા માટે જ નહીં, પરંતુ એક્વેટિક સેન્ટર સહિતની અન્ય સુવિધાઓ માટે પણ જમીન ખાલી કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને, સ્ટેડિયમ તરફ જતા મુખ્ય માર્ગોને ૧૮-૨૪ મીટરથી વધારીને ૬૦ મીટર સુધી પહોળા કરવાની તૈયારી ચાલી રહી છે, જેના માટે લગભગ ૨૦૦થી વધુ મકાનો ડિમોલિશનની ઝપેટમાં આવવાની શકયતા છે. શિવનગર અને વણઝારા વાસ જેવા વિસ્તારોમાં આ કામગીરી તંત્ર દ્વારા પૂર્ણતાના આરે છે.
મળતી માહિતી મુજબ મોટેરાના બળદેવનગરમાં આવેલા મકાનો ટીપી રોડની કપાતમાં આવતા હતા. કોર્પોરેશન દ્વારા સ્થાનિક રહીશોને અગાઉ મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે, રહીશોએ મકાન ખાલી કરવાને બદલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે રહીશોની આ અરજી નકારી દીધી હતી, જેના પગલે કોર્પોરેશન માટે રસ્તો સાફ થઈ ગયો હતો અને આજે તાત્કાલિક ધોરણે ડિમોલિશન હાથ ધરાયું હતું.
સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલા ૨૪.૦ મીટર પહોળાઈના ટીપી રોડને ખુલ્લો કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. પヘમિ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બળદેવનગરના કુલ ૨૯ જેટલા મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી હતી.
આજે વહેલી સવારથી ૪ હિટાચી મશીન, ૨ જેસીબી અને સ્ટાફની મદદથી ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી અને બુલડોઝરની મદદથી દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. (









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
