<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

ઉત્તરાયણ પહેલાં જ સકંજો: અમદાવાદના કાળુપુરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો રૂ.1.23 લાખનો જથ્થો ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચે MS શોપિંગ સેન્ટરમાં દરોડો પાડી પ્રતિક ઉર્ફે લાલો કંસારાને 492 રીલ સાથે પકડ્યો; પ્રતિબંધિત દોરીના સપ્લાય ચેઈન પર તપાસ કેન્દ્રિત.

અમદાવાદ: ઉત્તરાયણના તહેવારને હજી દોઢ મહિનાનો સમય બાકી છે, ત્યારે જ અમદાવાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી (માંજા) ના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે એક સચોટ બાતમીના આધારે કાલુપુર વિસ્તારમાં આવેલ એમ.એસ. શોપિંગ સેન્ટરમાં દરોડો પાડીને રૂ.1,23,000ની કિંમતનો ચાઈનીઝ દોરીનો જંગી જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીને ઝડપી પાડ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરી/માંજાના વેચાણ અને સંગ્રહ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે આ દોરીના કારણે દ્વીચક્રી વાહનચાલકો અને પક્ષીઓને ગંભીર ઈજાઓ થાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ નિયમિત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે, કાલુપુર ટાવર પાસે આવેલા એમ.એસ. શોપિંગ સેન્ટરની દુકાન નંબર 12, પહેલા માળે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ સ્થળેથી પ્રતિક ઉર્ફે લાલો કંસારા નામના આરોપીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરી વેચતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસે આરોપી પાસેથી સફેદ પ્લાસ્ટિક લપેટેલા 13 બોક્સમાંથી કુલ 492 નંગ ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા આ જથ્થાની કુલ કિંમત રૂ.1,23,000 જેટલી આંકવામાં આવી છે. આરોપી પ્રતિક કંસારા સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચાઈનીઝ માંજાના કારણે દર વર્ષે અસંખ્ય લોકો અને પક્ષીઓ ઘાયલ થાય છે, તે જોતાં પોલીસે ઉત્તરાયણ પહેલાં જ આ કડક કાર્યવાહી કરીને ગેરકાયદેસર વેપાર પર લગામ કસવાનો પ્રયાસ કર્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આરોપી પ્રતિક ઉર્ફે લાલો કંસારાએ આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી મંગાવ્યો હતો (તેનો મુખ્ય સપ્લાયર કોણ છે) અને તે આ જથ્થો શહેરમાં કોને વેચાણ કરવાના ઈરાદે રાખવામાં આવ્યો હતો. પોલીસનું ધ્યાન હવે આ ગેરકાયદેસર સપ્લાય ચેઈનના મૂળ સુધી પહોંચવા પર કેન્દ્રિત છે, જેથી ઉત્તરાયણ પર્વ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.

 

(3:04 PM IST)