<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

કેશુભાઈ પટેલનુ પુરા કદનું સ્ટેચ્યુ નિહાળી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ પ્રણામ કર્યા ; અડધી મિનિટમાં ૪૦ વર્ષનાં સંભારણા તાજા થયા

અડધી મીનીટમાં એમની સાથેના ચાલીસ વર્ષની ફિલ્મ જોવાઈ ગઈ, હું ઉભો જ રહ્યો.!!

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :ગુજરાત રાજ્યનાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ તસવીરો સાથે ફેસબુક પોસ્ટ મુકી જણાવેલ છે કે, સ્વ. માનનીય કેશુભાઈ પટેલના અવસાન બાદ તેમનું પૂરા કદનું સ્ટેચ્યુ, મેં પહેલી વાર અમદાવાદ નરોડા વિસ્તારમાં આવેલી કોઠીયા હોસ્પિટલમાં જોયું.
એક સામાજીક કામે નરોડા જવાનું થયું, જ્યાં પૂર્વમંત્રી અને આમ સમાજના આગેવાન મારા મુરબ્બી મિત્ર વલ્લભભાઈ કાકડીયા મળી ગયા. મને કહ્યું બાપૂ, અહીં સુધી આવ્યા છો તો અમારી નવી હોસ્પિટલની મુલાકાત લો. મારી પાસે સમય હતો, અમે હોસ્પીટલ પહોંચ્યા. પ્રવેશ કરતા જ માનનીય કેશુભાઈનું પૂરા કદનું સ્ટેચ્યુ જોઈ મેં નજીક જઈ પ્રણામ કર્યા. અડધી મીનીટમાં એમની સાથેના ચાલીસ વર્ષની ફિલ્મ જોવાઈ ગઈ, હું ઉભો જ રહ્યો.
વલ્લભભાઈ અને તેમના સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. બીજા અભિનંદન હોસ્પિટલ ચલાવવાના આપ્યાં જ્યાં - પહેલા સારવાર આપવામાં આવે છે. ગરીબ દર્દીઓની ફી લેવામાં નથી આવતી. દર્દીઓ અને સગાને સવાર-બપોર-સાંજ થઈ પાંચસોથી વધુ લોકોને મફત ભોજન આપવામાં આવે છે.  આ સેવા કાર્યમાં સેવક તરીકે મિત્ર દેવચંદભાઈ પટેલ જોડાયા છે. મેં બંને મિત્રોને હ્રદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

(5:03 PM IST)