News of Sunday, 30th November 2025
અમદાવાદના ચાંદખેડામાં પુત્રએ ફરિયાદ નોંધાવવાનું કહેતા પિતાનો પોલીસ સ્ટેશનના ધાબા પરથી પડતું મૂકી આપઘાત
ઘરમાં કોઈ બાબતે ઝઘડો થતાં સુરેશભાઈના મોટા પુત્ર પિયુષ બદાણીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.

શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઘરકંકાશમાં એક આધેડે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પુત્રએ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાનું જણાવતાં પિતાને લાગી આવ્યું હતુ. આથી હતાશ પિતાએ પોલીસ સ્ટેશનના ધાબા પરથી પડતું મૂકી જિંદગી ટૂંકાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ચાંદખેડાના વેલજીભાઈના કૂવા નજીક સુરેશભાઈ બદાણી બે પુત્રો અને પત્ની સહિતના પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે ઘરમાં કોઈ બાબતે ઝઘડો થતાં સુરેશભાઈના મોટા પુત્ર પિયુષ બદાણીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.
આથી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાંથી પરિવારના તમામ સભ્યોને પોલીસ મથકે લઈને આવી હતી. જ્યા પુત્ર પિયુષે પિતા સુરેશભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માંગતો હોવાનું જણાવ્યું હતુ. આ બાબતે મનમાં લાગી આવતા સુરેશભાઈ દોડીને ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબા પર જતા રહ્યા હતા અને ત્યાંથી નીચે કૂદકો માર્યો હતો.
બીજી તરફ ધડામા કરતો અવાજ આવતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બહાર દોડી આવ્યો હતો. જેમણે તાત્કાલિક સુરેશભાઈને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં ગંભીર ઈજા થવાના કારણે તેમનું મોત નીપજ્યું હોવાનું જણાયું હતુ. હાલ તો આ મામલે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
