<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

વેજલપુરના યુવકને ફેસબુક પર મકાન ખરીદવું ભારે પડ્યું

૧૦ લાખ રૃપિયા ચૂકવ્યા છતાં મકાન ન આપ્યું:મકાન વેચીને અને પીએફમાંથી રૃપિયા ઉપાડીને ચૂકવ્યા

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં છેતરપિંડીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વેજલપુરમાં રહેતાં એક યુવકને ફેસબુક પર જાહેરાત જોઈને મકાન ખરીદવું ભારે પડ્યું છે. ફેસબુક જાહેરાત જોઈને વાસણાના શખસ સાથે મકાન વેચાતું લેવાનું નક્કી કરી મકાન વેચી અને પીએફમાંથી રૃપિયા ઉપાડી ટૂકડે-ટૂકડે રૃપિયા ચૂકવ્યા હતા અને અંતે ૧૦ લાખ રૃપિયાની છેતરપિંડી થતાં યુવકે વાસણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનારા માતા અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, વેજલપુર વિસ્તારમાં રહેતા મયુર મહેતાએ ફેસબુક માર્કેટ પ્લેસ પર વાસણા સ્થિત શ્રેયશ એપાર્ટમેન્ટ, મકાન નંબર એફ/૪ના વેચાણની જાહેરાત જોઈ હતી. આ જાહેરાત જોયા બાદ તેણે મિતેષ ધ્રુવનો ફોન દ્વારા સંપર્ક કર્યો હતો. રૃબરૃ મુલાકાત દરમિયાન મિતેષે જણાવ્યું કે આ મકાન તેની માતા ગીતાબેન ધ્રુવના નામે છે. આ પછી બંનેએ રૃપિયા ૨૦,૫૦,૦૦૦માં મકાનની ડીલ કરી હતી. ત્યારબાદ મયુરે ૧૫-૬-૨૦૨૩ના રોજ બહાના પેટે ૫૦,૦૦૦ રૃપિયા ચૂકવ્યા હતા. આ પછી ૧૪/૧૦/૨૦૨૩ સુધીમાં ટુકડે ટુકડે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા મિતેષના બેંક ખાતામાં બીજા ૪,૦૦,૦૦૦ રૃપિયા ટ્રાન્સફર કર્યાં હતાં.

આ પછી મકાન વેચનાર મિતેષે મકાન લેનારા મયુરને ફોન કરીને દિવાળી ૨૦૨૪ પહેલા બાકીના તમામ રૃપિયા પૂરા કરી દેવાનું જણાવ્યું હતું. એ પછી મયુરે પોતાનું સરખેજવાળું મકાન વેચીને અને પીએફમાંથી રૃપિયા ઉપાડીને ઓગષ્ટ ૨૦૨૪માં ૫,૫૦,૦૦૦ રૃપિયા મિતેષના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં હતા. આમ મયુરે, મિતેષ ધ્રુવના બેન્ક ખાતામાં કુલ ૧૦,૦૦,૦૦૦ રૃપિયા એડવાન્સ પેમેન્ટ તરીકે ચૂકવી દીધા હતા.

મયુરે બાકીના ૧૦,૫૦,૦૦૦ રૃપિયા ચૂકવવા માટે પૂછ્યું અને બાનાખત મુજબ જરૃરી કાગળોની માંગણી કરી ત્યારે મિતેષે જુલાઇ ૨૦૨૫માં ડીલ પૂરી કરી કબજો આપતી વખતે જ કાગળો આપશે તેમ જણાવ્યું હતું. મુદત પૂરી થઈ ગયાના બે મહિના વીતી ગયા છતાં આરોપીઓએ કાગળો પણ આપ્યા નહીં અને બાકીની રકમ લેવા માટે નવો એકાઉન્ટ નંબર આપ્યો હતો.

એટલું જ નહીં થોડાક સમય પછી મિતેષે ફોનથી મયુરને સ્પષ્ટ કહી દીધું હતું કે, હવે મકાન વેચાણ આપવાના નથી અને ફોન કે મેસેજ કરીને હેરાન કરે નહીં. જે બાદ મયુરે મિતેષ ધ્રુવ અને તેની માતા ગીતાબેન સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 

(9:44 PM IST)