<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

અમદાવાદના એસજી હાઇવે પર હિટ એન્ડ રન:અજાણ્યા વાહને અડફેટે લેતા યુવકનું કરૂણમોત

નિરમા યુનિવર્સિટી નજીક અજાણ્યા વાહનચાલકે બાઇક પર જઈ રહેલા યુવકને ટક્કર મારી ફરાર :ગાંધીનગરથી નોકરી જવા નીકળેલા 21 વર્ષીય યુવકનું મોત નીપજ્યું

અમદાવાદના એસ.જી. હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. ગાંધીનગરથી નોકરી જવા નીકળેલા 21 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. આજે વહેલી સવારે નિરમા યુનિવર્સિટી નજીક એક અજાણ્યા વાહનચાલકે બાઇક પર જઈ રહેલા યુવકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. ફરાર વાહન ચાલકને ઝડપવા તજવીજ હાથ ધરી છે. અકસ્માતના બનાવની જાણ થતાં યુવકનો પરિવાર બનાવ સ્થળે પહોંચ્યો હતો. પરિવારજનોના રુદનથી માહોલ ગમગીન બની ગયો હતો.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક કથન ખરચર ગાંધીનગર ખાતે પોતાના મામાના ઘરે રહેતો હતો અને અમદાવાદમાં YMCA પાસે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. રોજની જેમ આજે સવારે પણ તે પોતાની બાઇક પર ગાંધીનગરથી ઓફિસ જવા નીકળ્યો હતો. સવારે અંદાજે 6.30 વાગ્યાની આસપાસ નિરમા યુનિવર્સિટી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. અજાણ્યા વાહને ટક્કર મારતા કથનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

 

અકસ્માતનો બનાવ બન્યો હોવાની જાણ થતાં ટ્રાફિક પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. મૃતક યુવકના પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. યુવાન દીકરાના મોતથી શોકમાં ગરકાવ થયેલા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર માહોલ ગમગીન બની ગયો હતો. એસ.જી. 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.વી. વીછીએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા એસ.જી. હાઇવે પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી ફરાર વાહન અને તેના ચાલકની ઓળખ થઈ શકે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારમાં પણ પૂછપરછ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીને ઝડપી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

(1:17 PM IST)