<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

પાદરા નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરતા સફાઈ કામદારોએ રેલી કાઢી: વેતન- બોનસ સહિતની માંગણી

શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કામદારો એકત્ર થઈને નગરપાલિકા કચેરી તરફ કૂચ કરી પોતાની માંગણીઓ અંગે ઉગ્ર અવાજ ઊઠાવ્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આજે પાદરા નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરતા સફાઈ કામદારોએ રેલી કાઢી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કામદારો એકત્ર થયા હતા અને નગરપાલિકા કચેરી તરફ કૂચ કરી પોતાની માંગણીઓ અંગે ઉગ્ર અવાજ ઊઠાવ્યો હતો.

આંદોલન દરમિયાન અમારી માંગો પૂર્ણ કરો, “કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો જેવા નારા ગૂંજી ઉઠ્યા હતા. કામદારોનો આરોપ છે કે નગરપાલિકા દ્વારા નવી ભરતી અટકાવાઈ રહી છે તેમજ વર્તમાન કર્મચારીઓને લઘુત્તમ વેતન, બોનસ અને અન્ય સુવિધાઓ મળતી નથી.

કામદારો દ્વારા મુકવામાં આવેલા આક્ષેપો અનુસાર, વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કાર્યરત સફાઈ કર્મચારીઓને નગરપાલિકામાં સ્થાયી નિમણૂક આપવાની માંગ વારંવાર કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓ દ્વારા તેની પર કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સાથે, પરિશ્રમ હોવા છતાં લઘુત્તમ વેતન ન મળવાથી ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો હોવાનું કામદારોએ જણાવ્યું. બોનસ અને અન્ય કલ્યાણકારી લાભોની પણ તેઓએ માગણી કરી છે. રેલી દરમિયાન ઘણા યુનિયન આગેવાનો અને મહિલા સફાઈ સખીઓએ પણ પોતાના મુશ્કેલીભર્યા અનુભવ રજૂ કર્યા હતા.

આંદોલન દરમિયાન પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસરે કાર્યાલય છોડીને બહાર નીકળી ગયા હોવાનો કામદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના કારણે કાર્યાલય પર થોડો તનાવજનક માહોલ સર્જાયો હતો. હાલ આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગો ઝડપથી સ્વીકારી નહીં લેવામાં આવે તો તેઓ વધુ કડક પગલાં ભરવા મજબૂર બનશે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ આંદોલનને કારણે એક સમયે ટ્રાફિકમાં અવરોધ તથા ગતિવિધિઓ અટકી જવાની પરિસ્થિતિનો સામનો પણ કરવો પડ્યો હતો.

આ સમગ્ર ઘટનાએ પાદરામાં સફાઈ કર્મચારીઓની સમસ્યાઓ અને નગરપાલિકા પ્રબંધનની કામગીરી બાબતે ચર્ચા ફરી ઉગ્ર બનાવેલી છે. હવે પ્રશાસનની આગામી નીતિ અને વલણ પર સૌની નજર કેન્દ્રિત છે.

 

(7:48 PM IST)