<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

સતત બીજા વર્ષે શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ અમદાવાદ અને રાજકોટને સર્વોચ્‍ચ NGO ગ્રેડિંગ પ્રાપ્ત

રાજકોટઃ શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, રાજકોટ અને અમદાવાદ, જે પ્રશાંતિ મેડિકલ સર્વિસિસ એન્‍ડ રિસર્ચ ફાઉન્‍ડેશન દ્વારા સંચાલિત છે, તેને સતત બીજા વર્ષ પણ CARE Analytics and Advisory Pvt. Ltd. દ્વારા  સર્વોચ્‍ચ ગ્રેડિંગ NGO 1A પ્રાપ્ત થયું છે.

NGO 1A ગ્રેડિંગનો અર્થઃ હોસ્‍પિટલની સેવા પૂરી પાડવાની ક્ષમતા સર્વોચ્‍ચ સ્‍તરની છે, આયોજન, વ્‍યવસ્‍થાપન અને સંચાલનના બધા સિસ્‍ટમ્‍સ ખૂબ મજબૂત છે, અને તમામ જરૂરિયાતમંદ  હૃદયરોગીની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્‍ક આપવામાં આવે છે.

સરળ શબ્‍દોમાં, NGO 1A સૌથી ઊંચો ગ્રેડ છે, જે દર્શાવે છે કે શ્રી સત્‍યસાઈ હાર્ટ હોસ્‍પિટલ ઉચ્‍ચ ગુણવત્તા, મજબૂત વ્‍યવસ્‍થા અને નિઃસ્‍વાર્થ સેવા સાથે વિશ્વ-સ્‍તરીય કાર્ડિયક સારવાર બિલ્‍કુલ મુક્‍તમાં પૂરી પાડે છે.

હોસ્‍પિટલની મુખ્‍ય વિશેષતાઓઃ શ્રી સત્‍ય સાઈ હોસ્‍પિટલ ગરીબ અને જરૂરીયાતમંદ વર્ગના દર્દીઓ માટે બિલકુલ મફતમાં કાર્ડિયક સારવાર પૂરી પાડતા દેશના અગ્રણી મેડિકલ સેન્‍ટર્સમાંની એક બની છે. હોસ્‍પિટલની કેટલીક ખાસ સુવિધાઓઃ અદ્યતન કેથલેબ, મોડયુલર ઓપરેશન થિયેટર્સ, અને આધુનિક આઈસીયુ તમામ સારવાર, દવાઓ, ઓપરેશન અને અનુસરણની સેવાઓ કોઈપણ ખર્ચ વગર, વર્ષોથી હજારો હૃદયરોગી દર્દીઓને નવો જીવનપ્રાણ આપતી સેવા, સંપૂર્ણ કેશલેસ, બિલલેસ, નિઃશુલ્‍ક હેલ્‍થકેર સિસ્‍ટમ્‍સ, ગ્રામ્‍ય અને વંચિત વર્ગના દર્દીઓ માટે સરળ અને સમાન પહોંચ.

ફાઉન્‍ડેશનની પ્રતિબદ્ધતાઃ ફાઉન્‍ડેશન આગળ પણ સમાજના દરેક વર્ગને ઉચ્‍ચ ગુણવત્તાની હૃદય સારવાર સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્‍ધ કરાવવામાં સતત કાર્યરત રહેશે.

એનજીઓ વનએ ગ્રેડિંગ શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલની સાર્થક સેવા, મજબૂત વ્‍યવસ્‍થા અને નિઃસ્‍વાર્થ કાર્યના મૂલ્‍યોને મળેલી રાષ્‍ટ્રીય સ્‍તરની માન્‍યતા છે. હોસ્‍પિટલ આગામી વર્ષોમાં પણ આ સેવાયાત્રાને વધુ વિસ્‍તૃત અને મજબૂત બનાવાશે. ‘દિલ વિધાઉટ બિલ' તરીકે ઓળખાતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍ટિપલ- રાજકોટ અને અમદાવાદ, છેલ્લા ૨૫ વષૃથી આરોગ્‍ય સેવા ક્ષેત્રે માનવતાની અનોખી સુગંધ ફેલાવી રહી છે. આ હોસ્‍પિટલ દ્વારા દેશના વિવિધ રાજ્‍યો- ઓડિશા, રાજસ્‍થાન, ઝારખંડ, આસામ, બિહાર, મધ્‍ય પ્રદેશ, ગુજરાત અને લેહ-લદાખ સાથે કરાર કરવામાં આવ્‍યા છે. જેના આધારે ત્‍યાંના હૃદયરોગી દર્દીઓને અહીં સંપૂર્ણપણે વિનામૂલ્‍યે સારવાર આપવામાં આવે છે. ગુજરાતની આ બે હોસ્‍પિટલોએ અત્‍યાર સુધી ભારતના તમામ રાજ્‍યોમાંથી અને દેશની કુલ વસ્‍તીના ૬૦% થી વધુ ભાગમાંથી આવેલા હજારો દર્દીઓને જીવનદાન આપ્‍યું છે.

 

(3:23 PM IST)