<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

BAPS ના પૂ. પ્રમુખસ્વામી મહારાજના 'પ્રમુખવરણી અમૃત મહોત્સવ'ની ચરમસીમા : ૭ ડિસેમ્બરે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મુખ્ય સમારોહની ભવ્ય ઉજવણી

પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો આપશે હાજરી : અટલ બ્રિજ નજીક સાબરમતી નદીમાં પ્રમુખસ્વામી મહારાજના પ્રદાનની સ્મૃતિ કરાવતા અલંકૃત ફ્લોટસ તરતા મુકાશે

અમદાવાદ, તા. ૩ ડિસેમ્બર, ૨૦૨૫ : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા બ્રહ્મસ્વરૂપ પૂ. પ્રમુખસ્વામી મહારાજના 'પ્રમુખવરણી અમૃત મહોત્સવ'ની ભવ્ય ઉજવણી આગામી ૭ ડિસેમ્બર, રવિવારના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે થશે. પ્રમુખસ્વામી મહારાજના ૧૦૪ મા જન્મદિને, તેમના માનવસેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે.

વહીવટી અને આધ્યાત્મિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં
આ ભવ્ય સમારોહમાં બી.એ.પી.એસ.ના વર્તમાન આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશીર્વચન આપશે. આ સાથે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અનેક નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

૭ ડિસેમ્બરના રોજ સાંજે ૫.૩૦ થી ૮.૩૦ સુધી ચાલનારા મુખ્ય કાર્યક્રમમાં પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને ગુણોને દર્શાવતી વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ દ્વારા વંદના કરવામાં આવશે. ખાસ કરીને, અટલ બ્રિજ નજીક સાબરમતી નદીમાં પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત ફ્લોટસ તરતાં મુકાશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે.

પ્રમુખવરણીની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ:
પૂ. પ્રમુખસ્વામી મહારાજને વિક્રમ સંવત ૨૦૦૬ (મે ૨૧, ૧૯૫૦) ના દિવસે, અમદાવાદના શાહપુર વિસ્તારમાં આંબલીવાળી પોળ (યજ્ઞપુરુષ પોળ) માં આવેલા નાના મંદિરમાં, સાંજે ૫ વાગ્યે BAPS સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ નિયુક્તિ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ પૂ. શાસ્ત્રીજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

 * પ્રતિજ્ઞા: પ્રમુખપદ ગ્રહણ કરતી વખતે નવયુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી (પ્રમુખસ્વામી મહારાજે) વિનમ્રતાપૂર્વક પ્રતિજ્ઞા લીધી હતી - “મારા દેહની પરવા કર્યા વિના હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપનો કૃતકૃત્ય બનીશ.” આ પ્રતિજ્ઞા મુજબ તેઓ જીવનભર સેવામય રહ્યા અને વિશ્વભરમાં સનાતન ધર્મની પરંપરાઓને વિસ્તારવાનું વિરાટ કાર્ય કર્યું.

 * આંબલીવાળી પોળનું મહત્ત્વ: આ પોળમાંથી જ BAPS સંસ્થાના અદ્વિતીય ગુજરાતી સામાયિક ‘સ્વામિનારાયણ પ્રકાશ’ નો આરંભ થયો હતો, અહીં જ ૧૯૪૦ માં સૌપ્રથમ હરિમંદિર કરવામાં આવ્યું હતું, અને અહીં જ પૂ. શાસ્ત્રીજી મહારાજે ૧૯૩૯ માં પ્રમુખસ્વામી મહારાજને પાર્ષદ દીક્ષા આપી હતી.

 * અમૃત મહોત્સવ: પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીનાં ૨૦૨૫ માં ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ભવ્ય મહોત્સવનું આયોજન થયું છે.

આ કાર્યક્રમ માટે છેલ્લા બે મહિનાથી કુલ ૨૦ જેટલા સેવા વિભાગો અને ૫,૫૦૦ જેટલા સ્વયંસેવકો સેવારત છે. જોકે, બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો આસ્થા ભજન ચેનલ અને live.baps.org સહિત અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકશે, તેમ BAPS ની એક યાદીમાં જણાવાયું છે.

 

(1:15 PM IST)