તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
જામનગરના પ્રજાવત્સલ રાજવી જામસાહેબના પરિવારને ‘ભારત રત્ન’ આપવા રાજ્યસભામાં પ્રબળ માંગ: સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ ગૌરવશાળી ઈતિહાસને વાચા આપી
રાજ્યસભાના શિયાળુ સત્રમાં ગુજરાતના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જામનગરના રાજવી પરિવારના ઐતિહાસિક, સામાજિક અને રાષ્ટ્રીય યોગદાનને બિરદાવીને તેમને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ એનાયત કરવાની રજૂઆત કરી છે. તેમણે બીજા વિશ્વયુદ્ધમાં પોલેન્ડના નિરાશ્રિતોને આશરો આપવાથી લઈને અખંડ ભારતના નિર્માણમાં જામસાહેબના ત્યાગને યાદ કર્યો હતો.

નવી દિલ્હી ખાતે ચાલી રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં ગુજરાતના ગૌરવ સમાન જામનગરના રાજવી પરિવારના સન્માનમાં એક મહત્વપૂર્ણ માંગણી કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ શૂન્યકાળ દરમિયાન ગૃહમાં રજૂઆત કરતા જામનગરના જામસાહેબના અપ્રતિમ સાહસ અને માનવતાવાદી કાર્યોની નોંધ લઈ તેમને ‘ભારત રત્ન’ થી નવાજવાની માંગ કરી છે. આ રજૂઆતને પગલે ગુજરાત સહિત સમગ્ર ક્ષત્રિય સમાજ અને સૌરાષ્ટ્રમાં ગૌરવની લાગણી પ્રસરી છે.
સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ પોતાના વક્તવ્યમાં જામનગરના રાજવી જામસાહેબ દિગ્વિજયસિંહજી અને વર્તમાન જામસાહેબ શત્રુશલ્યસિંહજીના યોગદાનનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગૃહનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધની ભયાનકતામાં સપડાયેલું હતું અને કોઈ દેશ નિરાશ્રિતોને સ્વીકારવા તૈયાર ન હતો, ત્યારે જામસાહેબ દિગ્વિજયસિંહજીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વર્ષ ૧૯૪૨ ના સમયગાળામાં જ્યારે પોલેન્ડ પર આક્રમણ થયું ત્યારે ત્યાંના ૧૦૦૦ જેટલા નિરાશ્રિત બાળકો અને મહિલાઓ જેમને કોઈ દેશ આશરો આપવા તૈયાર નહોતો, તેમને જામસાહેબે પોતાના રાજ્યમાં લાવીને માત્ર આશરો જ નહીં પરંતુ પિતાતુલ્ય પ્રેમ આપ્યો હતો. તેમણે બાલાચડીમાં આ બાળકો માટે તમામ સુવિધાઓ ઉભી કરી હતી અને કહ્યું હતું કે, "તમે હવે અનાથ નથી, હું નવાનગરનો બાપુ છું." આ ઘટના આજે પણ પોલેન્ડ અને ભારતના સંબંધોમાં એક સુવર્ણ પૃષ્ઠ સમાન છે. પોલેન્ડમાં આજે પણ જામસાહેબના નામ પર સ્કૂલ અને રસ્તાઓના નામ છે, ત્યારે ભારત સરકાર પણ આ યોગદાનની કદર કરે તેવી લાગણી સાંસદે વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત, અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના આહ્વાનને માન આપીને રજવાડાઓના વિલીનીકરણમાં જામસાહેબે દાખવેલી ઉદારતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રના એકીકરણમાં અને દેશની એકતા માટે જામસાહેબે પોતાનું રાજ્ય રાષ્ટ્રને સમર્પિત કરવામાં જરા પણ વિલંબ કર્યો ન હતો.
વર્તમાન જામસાહેબ શત્રુશલ્યસિંહજી વિશે વાત કરતા સાંસદે જણાવ્યું હતું કે, તેઓ પણ તેમના પૂર્વજોના પગલે ચાલીને સાદગી અને સેવાના માર્ગે અગ્રેસર છે. ક્રિકેટ ક્ષેત્રે રણજી ટ્રોફીમાં તેમનું યોગદાન અને જામનગરના વિકાસમાં તેમનો સતત સહયોગ પ્રશંસનીય રહ્યો છે. તાજેતરમાં જ તેમણે પોતાના વારસદારની જાહેરાત કરીને રાજવી પરંપરા અને લોકશાહી મૂલ્યોનું જતન કર્યું છે.
સૌરાષ્ટ્રના વાંકાનેરના રાજવી અને ભાજપના રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જામનગરના રાજવી પરિવારનો ઈતિહાસ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી પરંતુ તે ભારત અને સમગ્ર વિશ્વ માટે માનવતાની મિસાલ છે. આથી, આ પરિવારના ત્યાગ અને સમર્પણને ધ્યાનમાં રાખીને તેમને ‘ભારત રત્ન’ આપીને સન્માનિત કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ રજૂઆતને પગલે સૌરાષ્ટ્રના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
