<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ACB ની સફળ ટ્રેપ : સુરતની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સિનિયર ક્લાર્ક ₹૭૦,૦૦૦ ની લાંચ લેતા કોન્ટ્રાક્ટર સાથે રંગેહાથ ઝડપાયો

કોમર્શિયલ વીજ કનેક્શન આપવાના બદલામાં કઠોર સબ ડિવિઝનના સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણેએ લાંચની માંગણી કરી હતી : લાંચની રકમ લેવા મોકલેલા પ્રજાજન ભરત સાવલીયા સહિત બંને આરોપીઓ કામરેજ ટોલનાકા પાસે પકડાયા

સુરત : ગુજરાત એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) એ સુરત ગ્રામ્યમાં વધુ એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચ લેતા વીજ કંપનીના કર્મચારી અને તેના મળતીયાને ઝડપી પાડ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) ના કઠોર સબ ડિવિઝનના સિનિયર ક્લાર્ક દ્વારા કોમર્શિયલ વીજ કનેક્શન આપવા માટે ₹૭૦,૦૦૦ ની લાંચની માંગણી કરવામાં આવી હતી.
ગુનાની વિગતો અને સફળ ટ્રેપ
 * આરોપી-૧ (સરકારી કર્મચારી): સંતોષભાઈ ભગવાનભાઈ સોનવણે (ઉં.વ. ૪૮), સિનિયર ક્લાર્ક, વર્ગ-૩, DGVCL, કઠોર સબ ડિવિઝન, સુરત.
 * આરોપી-૨ (મળતીયો): ભરતભાઈ રમણીકભાઈ સાવલીયા, પ્રજાજન (લેબર કોન્ટ્રાક્ટર).
 * ગુનાનું સ્થળ: સ્વાગત નર્સરી, કામરેજ ટોલનાકાની બાજુમાં, તા. કામરેજ, જિ. સુરત.
 * લાંચની રકમ: ₹૭૦,૦૦૦/- (માંગેલી અને સ્વીકારેલી રકમ).
એક જાગૃત નાગરિકે પોતાની જમીનમાં કોમર્શિયલ વીજ કનેક્શન લેવા માટે કઠોર સબ ડિવિઝન કચેરીમાં અરજી કરી હતી. વીજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણેએ ફરિયાદી પાસે ₹૭૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACB નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન આરોપી સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણેએ લાંચની રકમ લેવા માટે આરોપી નંબર (૨) ભરત સાવલીયાને મોકલ્યો હતો. આરોપી ભરત સાવલીયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારી હતી, ત્યારે ACB ની ટીમે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ ટ્રેપ પો.ઇન્સ. આર.કે. સોલંકી અને ACB સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવી હતી, અને મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

 

(6:31 PM IST)