<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

વડોદરામાં પત્નીના ઝઘડા અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓથી કંટાળેલા પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત

પત્ની મુસ્કાનના અન્ય પુરુષ સાથે અનૈતિક સબંધો હતા. રાતના સમયે પત્ની સતત કોઈને સાથે ફોન પર વાત કરતી :પતિએ પકડી પાડતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી: સસરાની ફરિયાદના આધારે પુત્રવધુ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પત્નીના સતત માનસિક ત્રાસ, ઝઘડા અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓથી કંટાળેલા પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે માણેજા ખાતે નોકરી કરતાં દાઉદભાઈ બેલીમે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તેમના દીકરા સઈદના આજથી 5 વર્ષ અગાઉ 2020માં મુસ્કાન નામની યુવતી સાથે થયા હતા. આ લગ્નજીવન થકી તેને એક દીકરી ઈશરા પણ છે.

જો કે લગ્ન બાદ દંપતી વચ્ચે અવારનવાર નાની-નાની વાતોને લઈને તકરાર થતી રહેતી હતી. સઈદ સાથે વારંવાર ઝઘડા કરીને પત્ની મુસ્કાન તેના પિયર જતી રહેતી હતી.

સઈદને જાણવા મળ્યું કે, તેની પત્ની મુસ્કાનના અન્ય પુરુષ સાથે અનૈતિક સબંધ છે. મુસ્કાન રાતના સમયે સતત કોઈની સાથે ફોન પર વાત કરતી હતી. આથી સઈદે આ બાબતે પત્નીને પ્રશ્ન પૂછતા તેણે સઈદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. આ મામલે મુસ્કાને પતિ વિરુદ્ધ કારેલીબાગ પોલીસ મથકમાં અરજી પણ આપી હતી. જો કે પાછળથી બન્ને વચ્ચે સમાધાન થઈ ગયું હતુ.

ગત 19 સપ્ટેમ્બરના રોજ સઈદે પોતાના પતિ દાઉદભાઈને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, હું પત્ની અને સાસરિયાના વધતા ત્રાસથી કંટાળી ગયું છું. હું મરી જાઉ છું.

આથી તપાસ કરતાં જાણવા મળ્યું કે, સઈદે ગળે ફાંસો ખાઈ લીધો છે. આથી તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ સઈદને મૃત જાહેર કર્યો હતો.

આ મામલે મૃતકના પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે સઈદની પત્ની મુસ્કાન વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેણાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:58 PM IST)