<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ગાંધીનગર જિલ્લાના શેરથા ટોલટેક્સથી 24 પાડાઓને કતલખાને જતા બચાવાયા

અમદાવાદના એક યુવકની સતર્કતાના કારણે અડાલજ પોલીસે ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા 24 પાડાઓને બચાવી લઈ બે શખ્સોની રૂ. 5.96 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી

ગાંધીનગર જિલ્લાના શેરથા ટોલટેક્સ ખાતે મોડી રાત્રે એક ગેરકાયદેસર પશુ હેરફેરનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના એક યુવકની સતર્કતાના કારણે અડાલજ પોલીસે ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા 24 પાડાઓને બચાવી લઈ બે શખ્સોની રૂ. 5.96 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે .

અમદાવાદ બોડકદેવ ખાતે રહેતો કરણ દેવજીભાઈ ચોસલા ગઈકાલે રાત્રે મહેસાણાથી આવીને શેરથા ટોલટેક્સ ખાતે પોતાના મિત્રો સાથે ઉભો હતો. તે સમયે એક સફેદ પીકઅપ ડાલામાંથી પાડાઓના જોરદાર ભંભોરવાનો અવાજ આવતા કરણને શંકા ગઈ હતી. આથી તેણે ડ્રાઇવરને ડાલામાં શું ભરેલું છે તેમ પૂછતા જ કંડક્ટર સીટ પર બેઠેલો શખ્સ ભાગવા લાગ્યો હતો, જેને કરણ અને તેમના મિત્રોએ પકડી પાડ્યો હતો. બાદમાં તેમણે ડાલામાં જોતા પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા. આ અંગે કરણે તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરતા અડાલજ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી.

 બાદમાં પોલીસે પીકઅપ ડાલામાં તપાસ કરતા માલૂમ પડ્યું કે, ડીસાના રહેવાસી ડ્રાઇવર આસીફખાન પઠાણ અને કંડક્ટર વાસીફ કુરેશીએ કુલ 24 પાડાઓને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધ્યા હતા. બંને જણાએ પાડાઓને હલનચલન ન કરી શકે તે રીતે પગ અને મોઢાના ભાગ પણ બાંધી અપુરતી જગ્યામાં એકબીજા ઉપર ખીચોખીચ ભર્યા હતા. પશુઓ માટે ઘાસચારો કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેના પગલે પોલીસે 96 હજારના પાડા અને 5 લાખનું પિકઅપ ડાલુ મળીને કુલ રૂ. 5.96 લાખના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:39 AM IST)