<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

ગાંધીનગરના સત્તાધીશ ગલિયારામાં બદલીનો ગંજીપો ચિપાયો: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અર્જુન મોઢવાડિયા સહિતના મંત્રીઓના પીએ-પીએસની નિમણૂકનું લિસ્ટ જાહેર

ગાંધીનગર: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને નાયબ મુખ્યમંત્રી તેમજ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલય માટે અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂકો કરી છે. આ આદેશ અન્વયે વરિષ્ઠ અધિકારીઓને વિવિધ મંત્રીઓના કાર્યાલયમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, 

ગુજરાત સરકારના સચિવાલયમાં વહીવટી પ્રક્રિયાઓને વેગ આપવા અને મંત્રીઓના કાર્યાલયના સુચારુ સંચાલન માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. આ હુકમ અન્વયે નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના સ્ટાફમાં મોટાપાયે નિમણૂકો કરવામાં આવી છે. આ નિમણૂકોમાં અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓથી લઈને સેક્શન અધિકારીઓનો સમાવેશ થાય છે.

 

જાહેર થયેલા નોટિફિકેશન મુજબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અંગત સચિવ તરીકે અધિક કલેક્ટર એન.એ. રાજપૂતની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે તેમના અધિક અંગત સચિવ તરીકે વેદાંત જોષી અને અંગત મદદનીશ તરીકે કુંજન પટેલ તથા મૌલિક દેસાઈ ફરજ બજાવશે. 

 

કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલયમાં નાયબ સચિવ એમ.સી. શાહને અંગત સચિવ તરીકે અને મોતીભાઈ રબારીને અધિક અંગત સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે.

 

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના અંગત સ્ટાફમાં પણ મહત્વની નિમણૂકો થઈ છે, જેમાં તેમના અંગત સચિવ તરીકે નાયબ સચિવ હરેન્દ્રસિંહ પરમાર અને અધિક અંગત સચિવ તરીકે પરેશ ખોખરની પસંદગી કરવામાં આવી છે. 

આ ઉપરાંત, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના અંગત સચિવ તરીકે હિરેન ઠાકર, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સચિવ તરીકે કૌશિક ત્રિવેદી અને સામાજિક ન્યાય મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અંગત સચિવ તરીકે વી.સી. બોડાણાની નિમણૂક કરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના અંગત સચિવ તરીકે આઈ.એચ. પંચાલ ફરજ બજાવશે.

રાજ્યકક્ષાના મંત્રીઓના સ્ટાફમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના અંગત સચિવ તરીકે અધિક કલેક્ટર સુશ્રી રીટા જે. પટેલને જવાબદારી સોંપાઈ છે. 

જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના સચિવ તરીકે ચેતન ગણાત્રા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (સ્વતંત્ર હવાલો સિવાયના પ્રોટોકોલ માટે પ્રફુલ પાનસેરીયા) અને મહિલા કલ્યાણ મંત્રી ડૉ. મનીષા વકીલના સ્ટાફમાં પણ અધિકારીઓની ફાળવણી કરવામાં આવી છે. ડૉ. મનીષા વકીલના અંગત સચિવ તરીકે સુશ્રી જે.એમ. વેગડા ફરજ બજાવશે.

આ ઉપરાંત અન્ય રાજ્યમંત્રીઓમાં પરષોત્તમભાઈ સોલંકીના સચિવ તરીકે એન.એન. ચાવડા, કાંતિલાલ અમૃતિયાના સચિવ તરીકે ઋતુરાજ જાદવ, રમેશભાઈ કટારાના સચિવ તરીકે ભરત કે. પટેલ, દર્શનાબેન વાઘેલાના સચિવ તરીકે એન.આર. ધાંધલ અને કૌશિકભાઈ વેકરીયાના સચિવ તરીકે નૈમેષ પટેલની વરણી કરવામાં આવી છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના સચિવ તરીકે એસ.ડી. ગીલવા અને રમતગમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના સચિવ તરીકે બી.એન. ખેર સેવા આપશે.

સરકારના સંયુક્ત સચિવ રોનક મહેતાની સહીથી પ્રસિદ્ધ થયેલા આ આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ તમામ અધિકારીઓને તેમના મૂળ સંવર્ગના નિયમો મુજબ પગાર અને ભથ્થા મળવાપાત્ર રહેશે.

(12:40 AM IST)