<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

SIR-2025 ઝુંબેશની કામગીરીમાં માં અમદાવાદ–સુરતને ટોપ-10માં સ્થાન :ડાંગ 92.39 ટકા સાથે પ્રથમ સ્થાને

આંકડાઓ મુજબ રાજ્યના અનેક જિલ્લાઓએ કામગીરીમાં નોંધપાત્ર ઝડપ અને અસરકારકતા દર્શાવી

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ (SIR) 2025 ઝુંબેશની ડિજિટાઇઝેશન કામગીરી અંગેના તાજા આંકડાઓ જાહેર થયા છે. આ આંકડાઓ મુજબ રાજ્યના અનેક જિલ્લાઓએ કામગીરીમાં નોંધપાત્ર ઝડપ અને અસરકારકતા દર્શાવી છે, પરંતુ વડોદરા જિલ્લો ટોપ-10 જિલ્લાઓની યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. મહાનગરપાલિકા ધરાવતા વડોદરા જિલ્લાના ગેરહાજર રહેવાથી સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે.

ચૂંટણી પંચની યાદી મુજબ ડાંગ જિલ્લો 92.39% ડિજિટાઇઝેશન સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગીર સોમનાથ 92.24% સાથે બીજા અને મોરબી 91.09% સાથે ત્રીજા સ્થાને છે.

અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરી જિલ્લાઓ ટોપ-10માં સ્થાન ધરાવતા હોવા છતાં વડોદરાનું નામ યાદીમાં ન હોવું ખાસ નોંધપાત્ર છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં ડિજિટાઇઝેશન પ્રક્રિયા ઝડપી આગળ વધે છે, પરંતુ વડોદરા જિલ્લાના ધીમી ગતિને કારણે ચૂંટણી તંત્રની કાર્યપ્રણાલી પર પ્રશ્નો ઊભા થયા છે.

SIR-2025 ઝુંબેશ અંતર્ગત મતદાર યાદીઓમાં સુધારો, નવા મતદારોનો સમાવેશ અને ક્ષતિઓના નિકાલ જેવી કામગીરી હાંસલ કરવાની હોય છે. મતદાર યાદીઓને વધુ નિખાલસ અને ભૂલરહિત બનાવવા આ ઝુંબેશનું મહત્વ વધી જાય છે. રાજ્યમાં 9મી ડિસેમ્બર સુધી સુધારા–વધારા માટે અરજીપત્રો સ્વીકારવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. ચૂંટણી પંચ અનુસાર રાજ્યમાં કુલ કામગીરીમાંથી અંદાજે 92% પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે.

વડોદરા જિલ્લા ચૂંટણી કચેરી માટે હવે આ છેલ્લાં દિવસોમાં ડિજિટાઇઝેશન પ્રક્રિયાને ગતિ આપવા પડકાર ઊભો થયો છે. જો જિલ્લા તંત્ર સમયસર પૂરતી કામગીરી નહીં કરે તો મતદાર યાદીની સચોટતા તથા જિલ્લા ક્રમાંક પર અસર પડી શકે છે. શહેરમાં વધી રહેલી વસ્તી, નવી વસાહતો અને તંત્રને મળતા વધતા અરજપત્રોની સંખ્યા જેવા પરિબળો કામગીરી ધીમી થવાના કારણો હોઈ શકે છે, પરંતુ ચૂંટણી પંચની ટોપ-10 યાદીમાંથી વડોદરાની ગેરહાજરી સ્થાનિક તંત્ર માટે ચેતવણી સમાન છે.

આગામી દિવસોમાં જિલ્લા ચૂંટણી કચેરી કેટલી ઝડપથી બાકી કામગીરી પૂર્ણ કરે છે અને જિલ્લો ડિજિટાઇઝેશન ક્રમાંકમાં કેટલો સુધારો કરે છે, તે હવે જોવાનું રહેશે.

(12:50 AM IST)