<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

પોક્‍સો એક્‍ટ હેઠળ રાજ્‍યમાં અઢી હજારથી વધુ કેસ બે વર્ષથી પેન્‍ડિંગ

પોક્‍સોના કેસના નિકાલની સંખ્‍યા પણ નોંધપાત્ર

અમદાવાદ,તા.૦૬: જાતીય અપરાધોથી બાળકોનું રક્ષણ કરતા પોક્‍સો (પ્રોટેકશન ઓફ ચિલ્‍ડ્રન ફ્રોમ સેક્‍સ્‍યુઅલ ઓફેન્‍સ) એક્‍ટ હેઠળ ગુજરાતમાં ૯ વર્ષના મળીને ૨૦૨૩ના વર્ષની સ્‍થિતિએ અઢી હજારથી વધુ કેસ એવા છે જે બે વર્ષથી પણ વધુ સમયગાળાથી પેનિગ છે. જો કે ગુજરાતમાં પોક્‍સોના કેસ નોંધાય છે તેમ તેમ મોટાપાયે નિકાલ પણ કરાઈ રહ્યો છે.

૧૮ વર્ષ સુધીના બાળકો સાથે જાતીય દુર્વ્‍યવહાર થાય કે અન્‍ય કોઇપણ રીતે સતામણી કરાય તેના આરોપીઓ સામે પોક્‍સો અંતર્ગત કેસ નોંધવામાં આવે છે. બાળકો સામેના આવા અપરાધ ઘટાડવા માટે મોટાપાયે જાગૃતિ ઝુંબેશ ચલાવાય છે તેમ છતાં દર વર્ષે હજ્‍જારોની સંખ્‍યામાં કેસ નોંધાઈ રહ્યા છે. લોક્‍સભામાં વિધિ અને ન્‍યાય મંત્રાલય દ્વારા પોક્‍સોના ગુજરાતમાં નોંધાયેલા અને નિકાલ કરાયેલા કેસની માહિતી અપાઈ છે. તે મુજબ ૨૦૨૧થી ૨૦૨૫ના વર્ષ સુધીમાં દર વર્ષે કેસ મોટાપાયે ઉમેરાઈ રહ્યા છે.

વર્ષ ૨૦૨૧માં ૬૬૨૧ કેસ નોંધાયા હતા તેની સામે ૫૦૦૨ કેસનો ન્‍યાયિક પ્રક્રિયા પ્રમાણે નિકાલ કરાયો હતો. ૨૦૨૨માં ૬૩૪૦ કેસ નોંધાયા હતા અને અગાઉના બાકી હોય તે મળીને ૭૯૨૧ કેસનો નિકાલ કરાયો હતો. ૨૦૨૩માં ૬૮૪૪ કેસ નોંધાયા હતા અને ૭૮૪૪ કેસનો નિકાલ કરાયો હતો. ૨૦૨૪માં ૮૫૨૪ કેસ નોંધાયા હતા અને ૮૫૨૪ કેસનો નિકાલ કરાયો હતો. ૨૦૨૫માં ૪૫૫૭ કેસ નોંધાયા હતા અને ૬૨૮૯ કેસનો નિકાલ કરાયો હતો.

ગુજરાતમાં છેલ્‍લા બે વર્ષ કે તેથી વધુ સમયગાળાથી પેન્‍ડિંગ હોય તેવા કેસમાં ૨૦૨૦માં ૨૮૬, ૨૦૨૧માં ૪૧૪ કેસ, ૨૦૨૨માં ૫૭૨ કેસ અને ૨૦૨૩માં ૮૧૭ કેસનો સમાવેશ થતો હતો

(10:11 AM IST)