<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

આઈઆઈટી ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ Gen-Z થીમ આધારિત નવીનીકૃત પોસ્ટ ઓફિસનો શુભારંભ

આ પોસ્ટ ઓફિસ ખાસ કરીને યુવાનોની જરૂરિયાતો, તેમની સર્જનાત્મકતા અને આધુનિક વિચારસરણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ

ભારતીય પોસ્ટ વિભાગે યુવાનોની આધુનિક વિચારસરણી અને પ્રૌદ્યોગિક અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. દેશવ્યાપી પહેલના ભાગરૂપે, ગુજરાતની પ્રથમ Gen-Z થીમ આધારિત નવીનીકૃત પોસ્ટ ઓફિસનો શુભારંભ આઈઆઈટી ગાંધીનગર (IIT-GN) ખાતે કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી સેવાને જનરેશન-Z (Gen-Z) પેઢી સાથે વધુ નજીકથી જોડવાનો છે, જેથી પોસ્ટ ઓફિસને યુવા-કેન્દ્રિત અને આકર્ષક બનાવી શકાય.

આ નવીનીકૃત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવળેશ્વરકર અને આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મુનાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 'IITGN: ગુજરાતનું પ્રથમ Gen-Z વિષયક ડાકઘર' પર એક વિશેષ પોસ્ટ કવર અને આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વીરૂપણ પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને મહાપ્રબંધક ડો. રાજીવ કાંડપાલ પણ આ ગરિમામય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલી આ રાષ્ટ્રીય પહેલનો હેતુ પોસ્ટ ઓફિસને જીવંત અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવવાનો છે. આ રાષ્ટ્રીય પહેલના ભાગરૂપે, આગામી તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ સુધી દેશભરના વિવિધ શૈક્ષણિક કેમ્પસમાં સ્થિત ૪૬ પોસ્ટ ઓફિસ સેન્ટરનું નવીનીકરણ કરવામાં આવશે.

ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ સાવળેશ્વરકરે જણાવ્યું હતું કે, આ પોસ્ટ ઓફિસ ખાસ કરીને યુવાનોની જરૂરિયાતો, તેમની સર્જનાત્મકતા અને આધુનિક વિચારસરણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેની ડિઝાઈન સંપૂર્ણ રીતે Gen-Z વાયબ્સ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે.

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, આ પોસ્ટ ઓફિસને આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા નવી ઓળખ આપવામાં આવી છે. તેમના વિચારો ભીંતચિત્રો, આંતરિક થીમ અને પ્રચાર સામગ્રીની ડિઝાઇનમાં પ્રતિબિંબિત થયા છે, જેણે આ પોસ્ટ ઓફિસને વિશિષ્ટ યુવા-કેન્દ્રિત ઓળખ આપી છે. આ પ્રસંગે તેમના યોગદાન માટે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂનાએ જણાવ્યું હતું કે, આ નવીનીકરણથી વિદ્યાર્થીઓને પોસ્ટ વિભાગની સેવાઓ અને આધુનિક સુવિધાઓનો લાભ મળશે. આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા રચાયેલ “ટ્રી ઓફ લાઇફ ઓફ IITGN” ભીંતચિત્ર કેમ્પસમાં જોવા મળતા વિવિધ પક્ષીઓની સમૃદ્ધ વૈવિધ્યતાને ઉજાગર કરે છે, જે સંસ્થાના જીવંત પર્યાવરણીય તંત્ર સાથેના તેના ગાઢ સંબંધનું પ્રતીક છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે Gen-Z પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપી હતી. આ સુવિધાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

વાઈ-ફાઈ (Wi-Fi),કાફેટેરિયા અને મિની લાઈબ્રેરી,પાર્સલ પેકેજિંગ સેવાઓ,ફિલેટેલી (ટિકિટ સંગ્રહ),પોસ્ટ ઓફિસ બચત સેવાઓ,ડાક જીવન વીમા,ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB),વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટમાં છૂટ,કયુઆર (QR) આધારિત ડિજિટલ પેમેન્ટ

આધુનિક સુવિધાઓ અને યુવા-મૈત્રીપૂર્ણ માહોલને કારણે નવીનીકૃત આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ હવે યુવાઓના સશક્તીકરણ, સંસ્થાગત સહકાર અને જનસેવાના આધુનિકીકરણનું પ્રતિક બની છે.

(2:38 PM IST)