News of Saturday, 6th December 2025
અમદાવાદના સૌથી જૂના સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જતા તંત્રમાં દોડધામ
હવે સમગ્ર બ્રિજની અન્ય સ્પાનની પણ વિગતવાર તપાસ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમપેનલ કરાયેલા ડિઝાઇન કન્સલ્ટન્ટ સાથે-સાથે વિવિધ નિષ્ણાત સમિતીઓના તકનીકી નિષ્ણાતોની મદદ લેવાઈ

અમદાવાદ :શહેરના સૌથી જૂના સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જતા તંત્રમાં દોડધામ થવા પામી હતી. બ્રિજનો સ્પાન બેસી ગયા બાગ હવે તપાસ શરૂ કરી છે.
બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટની ટીમે સુભાષ બ્રિજના નીચેના ભાગનું ઇન્સ્પેક્શન કરતાં ત્રીજા નંબરના સ્પાનમાં ગંભીર નુકસાન જોવા મળ્યું છે. તપાસ દરમિયાન સ્પાનનો એક ભાગ બેસી ગયો છે અને તેના નીચેના ભાગમાં તિરાડો પણ જોવા મળી છે. હાલ નિષ્ણાતો દ્વારા બ્રિજની દરેક દિશાથી વિગતવાર તપાસ ચાલી રહી છે. જેથી નુકસાનનું ચોક્કસ કારણ જાણી જરૂરી મરામત અને સલામતીના પગલાં નક્કી કરી શકાય
મુખ્ય પ્રાથમિક તપાસમાં બ્રિજના માત્ર એક જ સ્પાનમાં નુકસાન જોવા મળ્યું હતું. પરંતુ મોરબી અને ગંભીરા બ્રિજની દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર વધુ સજાગ બન્યું છે. સુભાષ બ્રિજનો એક સ્પાન બેસી જતાં હવે સમગ્ર બ્રિજની અન્ય સ્પાનની પણ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમપેનલ કરાયેલા ડિઝાઇન કન્સલ્ટન્ટ સાથે-સાથે વિવિધ નિષ્ણાત સમિતીઓના તકનીકી નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે, જેથી કોઈપણ સંભવિત જોખમને ટાળી શકાય.
થોડા દિવસ પહેલા અમદાવાદના એક જૂના અને સૌથી વ્યસ્ત રહેતા બ્રિજને અચાનક બંધ કરી દેવામાં આવતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરીજનોને ખબર પડે કે અગવડ પડે તે પહેલા જ AMCએ બ્રિજના મધ્ય ભાગમાં આવેલી તિરાડને કારણે બ્રિજ સીલ કરી દીધો હતો જેની જાણ શહેરીજનોને થોડા સમય પછી થઈ હતી.
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અચાનક રિપેરિંગના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય સાંજના પીક અવર્સ દરમિયાન લેવામાં આવતા શહેરમાં વિકટ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. કોઇપણ પૂર્વ સૂચના, એલર્ટ કે જાહેરનામા વિના બ્રિજ બંધ કરી દેવાતા નારણઘાટ, સુભાષબ્રિજ સર્કલ અને આસપાસના સમગ્ર વિસ્તારમા વાહનોની લાઈનો કિલોમીટર સુધી ખેંચાઈ ગઈ હતી. ઘણા લોકોને પાછા ફરવું પડ્યું અને વિકલ્પ માર્ગો શોધવા ભારે મુશ્કેલી પડી.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
