તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 6th December 2025
વારંવાર પોતાની માતાને ફોન કરીને "મમ્મી તું પાછી આવી જા, મને તારા વગર ગમતું નથી" તેમ કહી વિનંતી કરતી હતી, પરંતુ માતા પરત ફરી નહોતી માતાના વિયોગ અને માનસિક તણાવમાં આવેલી સુરતની મારિયાએ ઝેરી દવા પી લઈને મોત મીઠું કર્યું
માતા-પિતા વચ્ચેના અણબનાવ બાદ માતાના વિયોગમાં 17 વર્ષીય દીકરીએ આપઘાત કરી લીધો : માતાની ગેરહાજરી સહન ન થતાં આ કિશોરીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું

સુરત તા.૬ : સુરતમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં માતા-પિતા વચ્ચેના અણબનાવ બાદ માતાના વિયોગમાં 17 વર્ષીય દીકરીએ આપઘાત કરી લીધો છે. માતાની ગેરહાજરી સહન ન થતાં આ કિશોરીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૂળ ભરૂચના જંબુસરના વતની મકસુદભાઈ પટેલ હાલમાં સુરતના અમરોલી કોસાડ આવાસ પાસે પરિવાર સાથે રહે છે અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મકસુદભાઈ અને તેમના પત્ની વચ્ચે કોઈ પારિવારિક અણબનાવ થતાં તેમના પત્ની રિસાઈને પિયર ચાલ્યા ગયા હતા. આ દરમ્યાન, મકસુદભાઈની 17 વર્ષીય દીકરી મારિયાને તેની માતાની ગેરહાજરી ખૂંચતી હતી. તે વારંવાર પોતાની માતાને ફોન કરીને "મમ્મી તું પાછી આવી જા, મને તારા વગર ગમતું નથી" તેમ કહી વિનંતી કરતી હતી, પરંતુ માતા પરત ફરી નહોતી.
માતાના વિયોગ અને માનસિક તણાવમાં આવેલી મારિયાએ આખરે દુઃખ સહન ન થતાં ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ તેણીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન કિશોરી મારિયાનું કરુણ મોત નીપજ્યું હતું. આ કરુણ બનાવથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. અમરોલી પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
