<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

જંબુસરમાં ગમખ્વાર બોટ દુર્ઘટના: ભરતીના પ્રવાહમાં 5 સેકન્ડમાં બોટ પલટી, 'બચાવો... બચાવો'ની બૂમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

ભરૂચના આસરસા નજીક ONGC સર્વે માટે શ્રમિકોને લઈ જતી બોટમાં કરુણ બનાવ: લાઇવ વીડિયોમાં ઘટનાની ભયાવહતા કેદ, એકનું કરુણ મૃત્યુ અને એક શ્રમિક હજી પણ લાપતા; સલામતી પર સવાલ.

ભરૂચ: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે એક અત્યંત ગંભીર બોટ દુર્ઘટના સર્જાઈ હતી. ONGCના ઓઇલ સર્વે માટે અંદાજે 25 જેટલા શ્રમિકો અને સ્થાનિકોને લઈ જઈ રહેલી બોટ ભરતીના જોરદાર પ્રવાહમાં પલટી ગઈ હતી. આ આખી ઘટનાનો એક લાઈવ વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માત્ર પાંચ સેકન્ડના ગાળામાં જ ભરતીના પાણીના તેજ પ્રવાહે બોટને ઊંધી વાળી દીધી હતી, જેના પગલે સ્થળ પર 'બચાવો... બચાવો...'ની બૂમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ દુર્ઘટનામાં બોટ માલિક રોહિતભાઈ પંચાલનું બોટ નીચે દબાઈ જતાં ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું છે, જ્યારે એક શ્રમિક હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. બોટમાં ગુજરાતી, આસામી અને બંગાળ સહિતના વિવિધ રાજ્યોના શ્રમિકો સવાર હતા. સદ્દનસીબે, બાકીના 23 જેટલા લોકોને સ્થાનિક નાવિકો અને ગ્રામજનોની સમયસૂચકતા અને મદદથી હેમખેમ બચાવી લેવાયા હતા અને તેમને તાત્કાલિક જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત બોટમાં સવાર ગોપાલ દાસ નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, "બોટ હલવા લાગી અને અમે કંઈ સમજીએ તે પહેલા જ તે પલટી ગઈ. તે ક્ષણ ખુબ જ ભયાવહ હતી."
મળતી માહિતી મુજબ, આસરસા ખાડીના કિનારે જ્યારે શ્રમિકો લાઈફ જેકેટ પહેરી રહ્યા હતા અને કેટલાક શ્રમિકો એક તરફ ભેગા થઈ જતાં બોટનું સંતુલન ખોરવાયું હતું. તે જ ક્ષણે ભરતીનું જોરદાર પાણી ધસી આવતા આ કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. ONGC દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલી એશિયન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા આસરસા ગામની 19 બોટ ભાડે રાખવામાં આવી હતી. આ દુર્ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યા બાદ ગ્રામજનો તેમજ અન્ય બોટચાલકોમાં સલામતી વ્યવસ્થા અને લાઇફ જેકેટના પૂરતા ઉપયોગને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

 

(1:25 PM IST)