<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે પણ ફ્લાઇટ રદ્દ થવાનો સિલસિલો યથાવત : પશ્ચિમ રેલવે દ્વારા હવાઈ મુસાફરો માટે અમદાવાદ અને દિલ્હી વચ્ચે વિશેષ ભાડા પર ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી

ગઈકાલે પણ 69 ફ્લાઇટ રદ્દ થઈ હતી છેલ્લા બે દિવસમાં 200થી વધુ ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી : ઇન્ડિગો એરલાઇન્સ સહિતની અનેક ફ્લાઇટ્સ કેન્સલ થતાં મુસાફરો અટવાયા

અમદાવાદ તા.૭ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે પણ ફ્લાઇટ રદ્દ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેના કારણે હવાઈ મુસાફરોની હાલાકી વધી છે. ઇન્ડિગો એરલાઇન્સ સહિતની અનેક ફ્લાઇટ્સ કેન્સલ થતાં મુસાફરો અટવાયા છે. આજે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 32 ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદથી ઉપડતી 17 ફ્લાઇટ અને આવનારી 15 ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઈન્ડિગોની અનેક ફ્લાઈટ 15 કલાક સુધી મોડી પડવાના અહેવાલો છે.

 

ગઈકાલે પણ 69 ફ્લાઇટ રદ્દ થઈ હતી. છેલ્લા બે દિવસમાં 200થી વધુ ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી ગઈ છે.

 

મુસાફરોને મદદરૂપ થવા પશ્ચિમ રેલવેનો પ્રયાસ

હવાઈ મુસાફરોને પડી રહેલી અગવડતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા હવાઈ મુસાફરો માટે અમદાવાદ અને દિલ્હી વચ્ચે વિશેષ ભાડા પર ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય, સાબરમતી અને દિલ્હી ચરાય રોહીલા વચ્ચે પણ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.

 

આ વિશેષ ટ્રેનો આજથી શરૂ કરીને 9 ડિસેમ્બર સુધી દોડાવવામાં આવશે. આ ઉપરાંત મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ પણ લગાવવામાં આવ્યા છે. મુસાફરોને ટ્રેનની સુવિધાની માહિતી મળી રહે અને અગવડતા ન પડે તે માટે એરપોર્ટ ઉપર રેલવે દ્વારા હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે. રેલવેના આ પ્રયાસથી ફ્લાઇટ કેન્સલેશનને કારણે અટવાયેલા મુસાફરોને થોડી રાહત મળી શકે છે.

(3:34 PM IST)