News of Sunday, 7th December 2025
જિલ્લામાં થયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ₹50 લાખ અને ₹75 લાખનો તોડ કરવા માટે AAPના મોટા નેતાઓ ગયા હતા : નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર ગંભીર અને મોટા આક્ષેપો કરીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો
AAPના નેતાઓનું મુખ્ય કામ મોટા તોડ કરવાનું છે, તેઓ હંમેશા કાર્યક્રમમાં થયેલા ખર્ચની માહિતી મેળવીને ખોટો હોબાળો કરી અધિકારીઓને દબાવે છે,ભાજપ અને AAPના કેટલાક નેતાઓ મળેલા છે અને સાથે મળીને તોડપાણી કરે છે

નર્મદા તા.૭ : નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આજે નામ લીધા વગર ચૈતર વસાવા પર ગંભીર અને મોટા આક્ષેપો કરીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ આક્ષેપો માત્ર આમ આદમી પાર્ટી (AAP) પૂરતા સીમિત ન હતા, તેમણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પર પણ વરસતા ત્રણેય પક્ષોમાં ભ્રષ્ટાચારની મિલીભગતનો દાવો કર્યો છે.
સાંસદે લગાવ્યા તોડ પાણીના આક્ષેપો
સાંસદ મનસુખ વસાવાના મુખ્ય આક્ષેપો AAPના નેતાઓ પર હતા. તેમણે જણાવ્યું કે AAPના નેતાઓનું મુખ્ય કામ મોટા તોડ કરવાનું છે. તેઓ હંમેશા કાર્યક્રમમાં થયેલા ખર્ચની માહિતી મેળવીને ખોટો હોબાળો કરી અધિકારીઓને દબાવે છે. મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યો કે જિલ્લામાં થયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ₹50 લાખ અને ₹75 લાખનો તોડ કરવા માટે AAPના મોટા નેતાઓ ગયા હતા. વધુમાં તેમણે કહ્યું કે AAPના નેતાઓ ટીમો બનાવીને અધિકારીઓને ધમકાવે છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરી તોડપાણી કરે છે.
ભાજપ અને અન્ય પક્ષોની મિલીભગત
AAPના નેતાઓના તોડ પાણી સિવાય સાંસદે એક ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો હતો કે ભાજપ અને AAPના કેટલાક નેતાઓ મળેલા છે અને સાથે મળીને તોડપાણી કરે છે. વસાવાએ કહ્યું કે નર્મદા જિલ્લામાં AAP, ભાજપ અને કોંગ્રેસની મીલી ભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે AAPના નેતાઓ અને તેમની ટીમ સરકારી મીટિંગોમાં થયેલા કામોની તપાસ માંગીને, એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોના નંબર માંગીને તોડ કરે છે.
પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે ફરિયાદ કરવાની સાંસદે કરી વાત
આ ગંભીર મામલે સાંસદ મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે તેઓ પ્રદેશ અને રાષ્ટ્રીય લેવલે ફરિયાદ કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બાબતે ભાજપના, AAPના, કે અન્ય કોઈ તેમની સાથે ફરનારા પણ જે કોઈ સંડોવાયેલા હશે, તેમને છોડવામાં નહીં આવે. આ આક્ષેપોએ નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે અને આગામી દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થવાની સંભાવના છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
