News of Sunday, 7th December 2025
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખથી 'કાતિલ ઠંડી'નો મોટો રાઉન્ડ શરૂ થશે, ઉત્તરાયણમાં પવનનું જોર રહેશે
હવામાન નિષ્ણાતનું આંકલન: 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે, પરંતુ 11 જાન્યુઆરી બાદ લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી ગગડશે; ઉત્તર ભારતમાં રેકોર્ડતોડ ઠંડી પડવાની શક્યતા.

અમદાવાદ :રાજ્યમાં જેમ જેમ શિયાળાની મોસમ જામી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતાને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, હાલમાં ઠંડીમાં વધારો-ઘટાડો ૨૦ ડિસેમ્બર સુધી રહેશે અને લઘુત્તમ તાપમાન ૧૨થી ૧૪ ડિગ્રીની આસપાસ જળવાઈ શકે છે. જોકે, ૨૨ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે અને ૨૭ ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે. પરંતુ ઠંડીનો મોટો રાઉન્ડ ૧૧ જાન્યુઆરી બાદ આવશે, જ્યારે લા નીનો અસરના કારણે ઠંડી ચરમસીમાએ પહોંચશે.
અંબાલાલ પટેલના મતે, જાન્યુઆરીમાં આવનારી આ કાતિલ ઠંડીના કારણે ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે, જ્યારે ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. આ આગાહી ખાસ કરીને ઉત્સવપ્રિય ગુજરાતીઓ માટે મહત્ત્વની છે, કારણ કે તેમણે જણાવ્યું કે, ઉત્તરાયણનાં પર્વમાં ઠંડીની તીવ્રતા સાથે પવનનું જોર પણ વધુ રહેશે. હાલમાં પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોના કારણે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ઘણા શહેરોમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે આવી ગયો છે, જે ગુજરાતમાં આગામી ઠંડીની તીવ્રતાનો સંકેત આપે છે.
હવામાન વિભાગ (અમદાવાદ સેન્ટર)ના ડિરેક્ટર એ.કે. દાસે પણ માહિતી આપી હતી કે ૧૧ ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેવાની ધારણા છે અને લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. જોકે, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત (સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી) તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેની સાથે રાજ્યમાં પવનનું જોર વધશે. વાદળો હટતા જ રાજ્યમાં ઠંડીની વધુ તીવ્રતા અનુભવાશે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
