તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
રાજસ્થાનથી જામનગર લઇ જવાતો ર કરોડનો દારૂ ઝડપાયો
૩૧ ડિસેમ્બર પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસ ટીમનો સપાટોઃ વટામણ- બગોદરા હાઇ-વે ઉપર ટેન્કર જપ્તઃ વોન્ટેડ અનિલ પંડયાની સંડોવણી

અમદાવાદ તા.૯: રાજ્યમાં આગામી ૩૧મી ડિસેમ્બરની ઉજવણીને લઈને દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય થયા છે, ત્યારે સામે પક્ષે પોલીસ પણ સતર્ક બની છે. અમદાવાદ ગ્રામ્ય LCBએ બાતમીના આધારે વટામણ-બગોદરા હાઈવે પર વોચ ગોઠવીને રાજસ્થાનથી જામનગર જઈ રહેલા એક કેમિકલના ટેન્કરમાંથી રૂપિયા ૨ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના વોન્ટેડ આરોપીનું નામ સામે આવ્યું છે.
૩૧ ડિસેમ્બરને અનુલક્ષીને અમદાવાદ ગ્રામ્ય પોલીસ એલર્ટ મોડ પર હતી અને જિલ્લામાંથી પસાર થતા અલગ-અલગ હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન, LCB ટીમને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ટેન્કર પસાર થવાનું છે. જેના આધારે પોલીસે વટામણ-બગોદરા હાઈવે પર રાયપુર પાટિયા પાસે વોચ ગોઠવી હતી. બાતમી વાળું ટેન્કર આવતા પોલીસે તેને રોકી ડ્રાઈવરની પૂછપરછ કરી હતી અને ટેન્કરની તલાસી લીધી હતી.
રાતભર ચાલી ગણતરી
૧૫ હજારથી વધુ બોટલો મળી ટેન્કરની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટેન્કરમાં ગુપ્ત ખાનાઓમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભર્યો હતો. પોલીસે રાતથી દારૂ બહાર કાઢવાનું શરૂ કર્યું હતું જે કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી. ગણતરીના અંતે ટેન્કરમાંથી વિદેશી દારૂની કુલ ૧૫,૫૫૨ ( અંદાજિત કિંમત રૂ. ૨.૦૨ કરોડ) બોટલો મળી આવી હતી, ટેન્કર સહિત કુલ રૂ.૨.૨૭ કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો.
વોન્ટેડ અનિલ પંડયાનું કારસ્તાન
પોલીસે ટેન્કરના ડ્રાઈવર મુલારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના ફતેહપુર સિકરીના કુખ્યાત બુટલેગર અનિલ પંડ્યાએ મોકલ્યો હતો. અનિલ પંડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના ગુનામાં વોન્ટેડ છે અને તેની પર ઈનામ પણ જાહેર થયેલું છે.
જામનગર સપ્લાય કરવાનો પ્લાન નિષ્ફળ
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂ ભરેલું ટેન્કર જામનગર પહોંચાડવાનું હતું, જ્યાં કોઈ સ્થાનિક બુટલેગર તેની ડિલિવરી લેવાનો હતો. જોકે, દારૂ ૩૧તદ્દ ડિસેમ્બરની પાર્ટીઓમાં વપરાય તે પહેલાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
