News of Tuesday, 9th December 2025
અમદાવાદમાં ઓવરટેક જેવી સામાન્ય બાબતમાં ફાયરિંગ: નારોલના લાંભા તળાવ પાસે યુવકને માથામાં ગોળી વાગી, હાલત ગંભીર
હાલ ઈજાગ્રસ્ત યુવક એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી ઘટનામાં નારોલ વિસ્તારમાં ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે જાહેરમાં ફાયરિંગ થયું છે. લાંભા તળાવ પાછળ બનેલી આ ઘટનામાં નશામાં ધૂત શખ્સોએ ફાયરિંગ કરતા એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. હાલ ઈજાગ્રસ્ત યુવક એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા લાંભા તળાવની પાછળના ભાગે આજે એક ચકચારી ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ત્રણ મિત્રો દર્શનાર્થે મલ્લાસણ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વાહન ઓવરટેક કરવા બાબતે કેટલાક અજાણ્યા શખ્સો સાથે તેમની બોલાચાલી થઈ હતી. વાત વણસતા સામેવાળા જૂથમાંથી ઉશ્કેરાયેલા શખ્સોએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક યુવકને માથાના ભાગે ગોળી વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ફાયરિંગ કરનાર અને તેની સાથેના અન્ય શખ્સો દારૂના નશામાં ધૂત હતા. નજીવી તકરારમાં જીવલેણ હુમલો થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
