News of Wednesday, 10th December 2025
વાઘોડિયા-કપુરાઇ રોડ પર ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ બાઈક સવાર યુવક-યુવતીને ટ્રકે કચડી નાખ્યા
વાઘોડિયા તરફથી કપુરાઈ તરફ જતી વેળાએ ટ્રેક્ટર સાથે બાઈક અથડાતા બંને રોડ પર પટકાયા: બાજુના માર્ગ પરથી પસાર થતી ટ્રકે બંનેને કચડ્યા

વડોદરામાં ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યાં છે. વાઘોડિયા-કપુરાઇ રોડ પર થયેલા આ અકસ્માતમાં ટ્રક નીચે આવી જતાં બાઇક સવાર બેનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં એક યુવક અને યુવતી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડયા છે. પોલીસે મૃતકોની ઓળખ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, બાઈક પર સવાર યુવક અને યુવતી વાઘોડિયા તરફથી કપુરાઈ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક સામે આવેલા ટ્રેક્ટર સાથે તેમની બાઈક જોરદાર અથડાઇ હતી. અત્યંત ભારે અથડામણ થતા બંને રોડ પર પટકાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે પટકાયા બાદ થોડા જ પળોમાં બાજુના માર્ગ પરથી પસાર થતી ટ્રકે બંનેને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયાની માહિતી મળી છે.
ઘટનાની જાણ થતા કપુરાઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ટ્રેક્ટર તથા ટ્રક ચાલક વિશે માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક બંને કોણ હતા અને તેઓ કયાંથી આવી રહ્યા હતા તેની વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલુ છે. અકસ્માત બાદ રસ્તા પર થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસ સ્ટાફે કાબુમાં લીધો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ રસ્તા પર ભારે વાહન વ્યવહાર રહેતો હોવા છતાં સાવચેતીના અભાવે અકસ્માતો વારંવાર સર્જાતા રહે છે. તેઓએ રોડ સુરક્ષા અને રિફ્લેક્ટર તેમજ સ્પીડ બ્રેકર જેવી સુવિધાઓ વધારવાની માંગણી પણ કરી છે. વડોદરા જિલ્લામાં વધતા માર્ગ અકસ્માતો અંગે લોકોમાં ચિંતા વધી રહી છે. પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સાવચેતીપૂર્વક વાહન હંકારવા અનુરોધ કર્યો છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
