<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

દાહોદના લીમડાબરા ગામે હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા કારચાલકે અડફેટે લેતા 15 વર્ષીય સગીરનું ઘટનાસ્થળે જ મોત

બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા: અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષ: કાર ચાલક પોતાની કાર સહિત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો

દાહોદ જિલ્લામાં લીમડાબરા ગામે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગામના મુખ્ય રોડ પાસે ત્રણ લોકો રસ્તો પાર કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા કારચાલકે બેદરકારીપૂર્વક ફોરવ્હીલર દોડાવી ટક્કર મારતા એક માસૂમ 15 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનું વાતાવરણ છવાઈ ગયું છે.

મળતી માહિતી મુજબ, 15 વર્ષીય રિતેશ ભાભોર, 25 વર્ષીય અનિલ ભાભોર અને 12 વર્ષની ઉંમરનો કિશોર કરણ ભોભોર રાત્રે ગામની બાજુના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક આગળથી આવી રહેલી કારે જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઇજા પહોંચતા રિતેશ ભાભોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અનિલ ભાભોર અને કિશોર કરણ ભોભોરને ગંભીર ઈજાઓ થતાં તરત જ સારવાર માટે દાહોદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બંનેની હાલત અંગે તબીબો સતત દેખરેખ રાખી રહ્યા છે.

ઘટના બાદ કાર ચાલક પોતાની કાર સહિત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ પ્રકારની બેદરકારી અને ફરાર વલણને કારણે ગામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારે આ ઘટનાને લઈને વ્યથા વ્યક્ત કરી હતી અને દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાને પગલે લીમડાબરા ગામમાં શોકનો માહોલ છે.

પોલીસે ઘટનાસ્થળ પરથી પ્રાથમિક પુરાવાઓ એકત્રિત કરીને અજાણ્યા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. નજીકના માર્ગો પર આવેલી CCTV ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી અકસ્માત સર્જનારા આરોપી સુધી પહોંચી શકાય. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનાએ ફરીવાર માર્ગ સલામતી અને વાહનચાલકોની બેદરકારી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. ગામજનો અને સ્થાનિક લોકો દ્વારા આવી ઘટનાઓ પર કાબૂ મેળવવા કડક કાયદાકીય કાર્યવાહી અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે.

(2:00 PM IST)