News of Thursday, 11th December 2025
૯ મહિનામાં ૧૪થી ૧૭ વર્ષની ૩૪૧ સગીરા પ્રેગ્નેન્ટ થઈ
કડી અને મહેસાણામાં સૌથી વધુ

મહેસાણા તા.૧૧: મહેસાણામાં બનેલી ઘટનાઓએ સૌ કોઈને વિચારતા કરી દીધા છે. ૯ મહિનામાં ૩૪૧ સગીરા પ્રેગ્નેન્ટ થઈ હોવાનું સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. સૌથી વધુ કડીમાં ૮૮ અને બીજા નંબરે મહેસાણામાં બાળાઓ ગર્ભવતી બની છે.
મહેસાણામાં સગીર વયની દીકરીઓ ગર્ભવતી થઈ હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ એપ્રિલ ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ સુધીના સમયગાળામાં એટલે કે ૯ મહિનામાં કુલ ૩૪૧ સગીર દીકરીઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે.
આ આંકડાઓની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે, ૧૩થી ૧૭ વર્ષની વયજૂથની આ સગીરાઓમાં ૧૪ વર્ષની ૨, ૧૫ વર્ષની ૩૪, ૧૬ વર્ષની ૭૬ અને સૌથી વધુ ૧૭ વર્ષની ૨૨૯ દીકરીઓનો સમાવેશ થાય છે. નાની વયે ગર્ભધારણના આ કિસ્સાઓ સમાજ માટે ખરેખર લાલબત્તી સમાન છે.
મહેસાણા જિલ્લાના તાલુકાવાર વિગતો જોઇએ તો સૌથી વધુ કિસ્સા કડીમાં ૮૮ અને ત્યાર બાદ મહેસાણામાં ૮૦ સગીરાઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સગીરાઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે અને જરૂરી આરોગ્યલક્ષી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સગીરાઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યને ધ્યાનમાં રાખી આ ગંભીર મુદ્દા પર સામાજિક જાગૃતિ અને કાયદાકીય પગલાંની જરૂરિયા ઊભી થઈ છે.
આમ મહેસાણા જિલ્લામાં કુલ ૨૨,૮૧૨ સગર્ભા મહિલામાંથી ૩૪૧ સગર્ભા દીકરીઓ સામે આવી છે. જેમાં ૧૪ વર્ષની ૨, ૧૫ વર્ષની ૩૪, ૧૬ વર્ષની ૭૬, ૧૭ વર્ષની ૨૨૯ દીકરીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે. તો બીજી બાજુ ૧૮ વર્ષની ૫૮૮ અને ૧૯ વર્ષની ૮૫૨ યુવતીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આ મામલે એ સામે આવ્યું નથી કે, આ તમામ બાળાઓના લગ્ન થયા છે કે નહીં. હાલમાં આરોગ્ય વિભાગ પાસે એ માહિતી ઉપલબ્ધ ના હોવાનું પણ સામે આવ્યું છે
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
