<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

વડોદરા રેલવે પોલીસને મોટી સફળતા:બિહારમાંથી ટ્રેન દ્વારા મુસાફરી કરતા 11 બાળકો અને 7 પુખ્ત વયના લોકોનું રેસ્ક્યુ

ચાઇલ્ડ વેલફેર સંસ્થાને બિહારથી મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી : સુરત માટે જવા નીકળેલા બાળકો અને તેમની સાથે રહેલા પુખ્ત લોકો કોઈ ગેરકાયદે ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ ? તપાસ શરૂ

વડોદરા રેલવે પોલીસને મોટી સફળતા મળી છે, જ્યારે બિહાર રાજ્યના કટિયા જિલ્લામાંથી ટ્રેન મારફતે મુસાફરી કરતા 11 નાબાલિક બાળકો અને 7 પુખ્ત વયના લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી ચાઇલ્ડ વેલફેર સંસ્થાને બિહારથી મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાઈ હતી. બાતમીમાં જણાવાયું હતું કે કેટલાક બાળકોને શંકાસ્પદ રીતે ગુજરાત તરફ લઈ જવામાં આવી રહ્યાં છે. તેના પગલે વડોદરા રેલવે પોલીસએ તકેદારીપૂર્વક ટ્રેનોમાં તપાસ હાથ ધરી હતી.

પરિણામે, એક એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કુલ 18 લોકોને પોલીસ કસ્ટડીમાં લીધા હતા. રેસ્ક્યુ કરાયેલા 11 બાળકોની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ જાતેજ ટિકિટ બુક કરાવી પોતાના વાલી-વારસ પાસે સુરત જતાં હોવાનું દાવો કર્યો હતો. જોકે, પોલીસ આ દાવાની સત્યતા અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

સુરત માટે જવા નીકળેલા બાળકો અને તેમની સાથે રહેલા પુખ્ત લોકો કોઈ ગેરકાયદે ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ, અથવા તેમને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવાની યોજના તો ન હતી, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. રેલવે પોલીસની ટીમે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક સુરક્ષિત સ્થાન પર ખસેડી દીધા છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી સાથે મળીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ કરાયેલા લોકોના વાલી-વારસ સાથે સંપર્ક સાધવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. સાથે જ તેમની ઓળખ તથા મુસાફરી અંગેની વિગતોનું સત્યાપન કરવામાં આવી રહ્યું છે. વડોદરા રેલવે પોલીસે બાળશોષણના મામલા અટકાવવામાં સફળ કાર્યવાહી કરતા ફરી એકવાર સુરક્ષા સિસ્ટમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(12:33 PM IST)