News of Thursday, 11th December 2025
માંડલ ખંભલાય ધામમાં ૩ વર્લ્ડ રેકોર્ડ સર્જાશે : તા.૨૩મીએ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા ટ્રસ્ટને સર્ટીફીકેટ એનાયત કરશે
દુર્લભ મહાશક્તિ ખંભલાય મા લક્ષચંડી મહાયાગમાં ૪૦૦ કિ.ગ્રા ઘી, કેસર-ડ્રાયફ્રુટ અને હવન સામાગ્રી તથા શુદ્ધ પાયસની ૧.૦૮ કરોડ આહુતિ હોમાશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : માંડલના શ્રી ખંભલાય માતાજી ધામમાં તા. ૧૪ થી ૨૪ ડીસેમ્બર દરમ્યાન ૧૧ દિવસીય શ્રી મહાશક્તિ ખંભલાય મા લક્ષચંડી મહાયાગના મહામુલા અવસરને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આજે આ દુર્લભ પ્રસંગ શરૂ થાય એ પહેલાં ખંભલાય ટ્રસ્ટ દ્વારા ઉત્સવની સંપુર્ણ માહિતી આપી હતી. ટ્રસ્ટના માનદમંત્રી મુકેશભાઈ રાવલ (રાજકોટ) દ્વારા જણાવાયું કે, માંડલ એક અધ્યયન એવા પુસ્તકમાં માંડલનો ઈતિહાસ ૮ હજાર વર્ષ જુનો બતાવ્યો છે. શ્રી ખંભલાય માતાજી ચામુંડા સ્વરૂપમાં મુળ પ્રગટ થયેલ જેનો ઈતિહાસ ૮૦૦ વર્ષ પૌરાણિક છે. માંડલના ૮ હજાર વર્ષના ઈતિહાસમાં લક્ષચંડી નામના યજ્ઞનો કોઈ ઈતિહાસ જોવા મળતો નથી, એટલે આ નગરમાં ૮ હજાર વર્ષો પછી આવો મહામુલો અવસર આવ્યો છે.
લક્ષચંડી યજ્ઞ એ માતૃભક્તિનો સૌથી મોટામાં મોટો અને અંતિમ યજ્ઞ છે એનાથી ઉપર કોઈ યજ્ઞ શાસ્ત્રોમાં બતાવ્યો નથી. લક્ષ એટલે લાખ અને ચંડી એટલે માતાજી, ૧ લાખ કરતાં વધારે ચંડીપાઠ જેને દુર્ગાશપ્તસતી કહેવાય જેની રચના માર્કંડેય ઋષિએ કરેલી. લક્ષચંડીમાં ૧૩ અધ્યાય, ૭૦૦ શ્લોક અને ૨૧૬ મંત્રો આવે છે અને ૯૧૬ મંત્રોની એક આહુતિ બતાવવામાં આવી છે જયારે આખો ચંડીપાઠ પુર્ણ થાય છે. લક્ષચંડી પાઠ એ કલ્પવૃક્ષ સમાન છે. આવા દેવતાઓને પણ દુર્લભ મહાયાગનો આ ઉત્સવ માંડલના આંગણે યોજાવા જઈ રહ્યો છે,
આ ઉત્સવમાં ૪૦૦ કિલોગ્રામ શુદ્ધ ઘીનો ઉપયોગ થશે, કેસર-ડ્રાયફ્રુટ, હવન સામગ્રી, ઉદ, કેસર, કેસરનો અર્ક અને વિવિધ ઔષધિઓ થકી અને શુદ્ધ પાયસની મદદની ૧ કરોડ ૮ લાખ આહુતિ ૧૧ દિવસની અંદર ૨૫૫ ભાગ્યશાળીઓ યજમા, ૧૦૮ ચીત્રકુટી ભુદેવો એમ થઈ કુલ ૩૬૩ કુંડ ઉપર હોમવામાં આવશે. માંડલ ખંભલાય માતાજીના નીજ મંદિરે તા.૦૫/૦૫/૨૦૧પથી અખંડિત નવચંડી યજ્ઞ છેલ્લાં દસ વર્ષથી યોજાય છે, ધનતેરસે પુર્ણ કરાયેલ ૬ માસનું લક્ષચંડી પાઠાત્મક મહાઅનુષ્ઠાન અને ૧ કરોડથી વધુ આહુતિ એટલે ખંભલયા ધામમાં ત્રણ વિશ્વ વિક્રમ સર્જાવા જઈ રહ્યાં છે. તા.૨૩ ડીસેમ્બરના રોજ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહેશે અને ત્રણ ખંભલાય ધામના ત્રણ વર્લ્ડ રેકોર્ડ લખશે અને ત્રણ સર્ટીફીકેટ ટ્રસ્ટને એનાયત કરશે.
આ પ્રસંગને લઈ તાજેતરમાં રીલીઝ થયેલ લાલો ફીલ્મના એકટર્સ, રાજયના રાજકીય મહાનુભાવો, સમાજ અગ્રણીઓ તેમજ રાજયના ખુણેખુણામાંથી અને દેશ-વિદેશમાં વસતાં હજારો માઈભક્તો દર્શનાર્થે ઉમટી પડવાના છે. ખંભલાય માતાજી ટ્રસ્ટ દ્વારા વૈદિક વાંસની યજ્ઞશાળા ઉભી કરાઈ, યજ્ઞ કુંડ રંગરોગાન, ભોજનાલયની વ્યવસ્થા, મહેમાનો-યજમાનોના ઉતારા સહિતની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. સંપુર્ણ પ્રસંગ અને ભુતકાળમાં થયેલ અનેક પ્રસંગોની માહિતી પ્રેસ બ્રીફના માધ્યમથી આપવામાં આવી હતી.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
