News of Thursday, 11th December 2025
નવસારીમાં બનાવટી આધાર કાર્ડ પ્રકરણમાં 13 ઓપરેટર- સુપરવાઇઝર સસ્પેન્ડ :આખરે 6 દિવસ બાદ પોલીસ ફરિયાદ
ફરજ મોકૂફ કરાયેલા સુપરવાઈઝરોમાં નવસારીના બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ નીરવ ટેલરનો પણ સમાવેશ : NRI મહિલાએ માત્ર 25 દિવસ ભારતમાં રોકાઈને આધાર કાર્ડ બનાવતા વહીવટી તંત્ર દોડતું થયું

નવસારીમાં બનાવટી આધાર કાર્ડ પ્રકરણમાં નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. છઠ્ઠી ડિસેમ્બરે કલેકટર કચેરીમાંથી કુલ 13 આધારકાર્ડ ઓપરેટર-સુપરવાઇઝરોને ફરજ મોકૂફ કર્યા બાદ આખરે 6 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરજ મોકૂફ કરાયેલા સુપરવાઈઝરોમાં નવસારીના બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ નીરવ ટેલરનો પણ સમાવેશ થાય છે. જલાલપોર મામલતદાર મૃણાલદાન ઈસરાણી ફરીયાદી બન્યા છે.
જલાલપોર તાલુકાના કોલાસણા ગામની NRI મહિલાએ સરકારી ઠરાવ વિરુદ્ધ જઈને આધાર કાર્ડ બનાવ્યું. આધારકાર્ડ બનાવવા માટે વિદેશી નાગરિકે 182 દિવસ ફરજિયાત ભારતમાં રોકાવું પડે છે. પ્રતીક્ષા પટેલ નામની મહિલાએ માત્ર 25 દિવસ ભારતમાં રોકાઈને આધાર કાર્ડ બનાવતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. જાગૃત નાગરિકે વહીવટી તંત્રને ફરિયાદ કરતા તંત્ર આધારકાર્ડ કૌભાંડની જાણકારી મેળવી ચોકી ગયું હતું.
મહિલા સાથે આધારકાર્ડ બનાવનાર ઓપરેટરની પણ સંડોવણી બહાર આવી છે. નવસારી ટાઉન પોલીસ મથકમાં એનઆરઆઈ મહિલા સહિત આધાર કાર્ડ બનાવનાર ઓપરેટર વિરુદ્ધ આઈ.ટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જિલ્લામાં જમીનના દસ્તાવેજોમાં નકલી આધાર કાર્ડ પ્રકરણમાં વધુ ખુલાસા થઈ શકે તેવી સંભાવના છે .
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
