તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 11th December 2025
નિરમા યુનિવર્સિટીમાં ૫ કરોડની ઠગાઈ સામે આવી
આરોપી હર્ષલ લહેરીની ધરપકડ, ૩ દિવસના રિમાન્ડ મંજૂરઃઆરોપી પ્રકાશ ઠાકોરને આશરે ૩૦ જેટલા બેંક એકાઉન્ટ આપ્યા હતા જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હોવાની શંકા છે

અમદાવાદ,તા.૧૧
અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટીમાં થયેલી ૫ કરોડ રૃપિયાની મોટી ઉચાપતના મામલે સોલા પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં પોલીસે આરોપી હર્ષલ સુરેશચંદ્ર લહેરીને ઝડપી લીધો છે અને કોર્ટ દ્વારા તેને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે નિરમા યુનિવર્સિટીએ પોતાના કર્મચારી સહિત કુલ ૭ શખ્સો વિરૃદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી હર્ષલ લહેરીએ મુખ્ય આરોપી પ્રકાશ ઠાકોરને આશરે ૩૦ જેટલા બેંક એકાઉન્ટ આપ્યા હતા. જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હોવાની શંકા છે.
સરકારી વકીલ એસ.એમ. શેખે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે આરોપીએ કયા-કયા લોકો સાથે સંપર્ક કર્યો છે. કેટલા એકાઉન્ટનો ઉપયોગ અન્ય ગુનાઓમાં થયો છે, તેમજ ઠગાઈની રકમ કોના-કોના ખાતામાં ટ્રાન્સફર થઈ છે તેની ઊંડાણપૂર્વક તપાસ જરૃરી છે. આ ઉપરાંત, ફેક આઈડી અને નકલી દસ્તાવેજોના ઉપયોગ અંગે પણ તપાસ કરવી જરૃરી હોવાનું રજૂ કરાયું હતું.બીજી તરફ, આરોપી પક્ષે દલીલ કરી હતી કે આરોપી તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે અને રિમાન્ડની જરૃર નથી. જોકે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોલીસની માંગ સ્વીકારી અને આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો છે. હાલ પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ, સિમકાર્ડ અને મોબાઈલ ફોન સહિતના મહત્ત્વના પુરાવાઓની તપાસ શરૃ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ પણ તેજ બનાવવામાં આવી છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
