તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 12th December 2025
દમણના આંટિયાવાડ તળાવમાં કરૂણાંતિકા : ન્હાવા પડેલા ૪ કિશોરો પાણીમાં ડૂબ્યા : એકનો મૃતદેહ મળ્યો અને બે ની શોધખોળ ચાલુ
વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશમાં ૭ કિશોરોના સમૂહ પર કાળનો પંજો : સ્થાનિક યુવકની સમયસૂચકતાથી એક કિશોરનો જીવ બચાવી લેવાયો : ફાયર ફાઇટર અને પોલીસ ટીમ દ્વારા મોડી રાત સુધી શોધખોળ ચાલુ

દમણ, તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ : વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના આંટિયાવાડ તળાવમાં એક અત્યંત દુઃખદ બનાવ સામે આવ્યો છે. તળાવમાં ન્હાવા પડેલા સાત કિશોરોના એક જૂથમાંથી ચાર કિશોરો પાણીના ઊંડા ભાગમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય બે કિશોરોની શોધખોળ હાલ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાત કિશોરોનું જૂથ આંટિયાવાડ તળાવમાં ન્હાવા પડ્યું હતું. તેમાંથી ચાર કિશોરોને તરતા ન આવડતું હોવાને કારણે તેઓ તળાવના ઘેરા પાણીમાં ડૂબવા લાગ્યા હતા, જ્યારે ત્રણ બાળકો કિનારે સુરક્ષિત બહાર આવી ગયા હતા. ડૂબતા બાળકોએ મદદ માટે બૂમાબૂમ કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
સ્થાનિક યુવકે જીવ જોખમમાં મૂકીને બચાવ્યો:
બાળકોની મદદની ચીસ સાંભળીને નજીકના વિસ્તારમાં રહેતા એક સ્થાનિક યુવકે સહેજ પણ વિલંબ કર્યા વિના તત્કાળ તળાવ તરફ દોટ મૂકીને પાણીમાં ઝંપલાવ્યું હતું. આ યુવક એક કિશોરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યો હતો. યુવકે જણાવ્યું કે બાળકના પેટમાં ઘણું પાણી ભરાઈ ગયું હોવાથી તેની સ્થિતિ ગંભીર હતી. યુવકે સમયસર પ્રાથમિક સારવાર આપી પેટમાંથી પાણી બહાર કાઢતાં તે ભાનમાં આવ્યો હતો અને તેનો જીવ બચી ગયો હતો. યુવકે કહ્યું કે, જો એક મિનિટનો પણ વિલંબ થયો હોત તો બાળકનું જીવન જોખમમાં મુકાઈ શક્યું હોત.
ઘટનાની જાણ થતાં જ દમણ ફાયર ફાઇટર ટીમ અને દમણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ટીમે મોડી રાત સુધી તળાવમાં ડૂબેલા કિશોરોની શોધખોળ ચાલુ રાખી હતી, જેમાં એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય બે કિશોરોની શોધખોળ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ કરૂણાંતિકાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
