<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

સુરતના પરિવારે દીકરીના લગ્ન માટે કુંડામાં છાપી કંકોત્રી

પર્યાવરણ બચાવવા અનોખી પહેલ

સુરત, તા.૧૨: સામાન્‍ય રીતે લગ્નની કંકોત્રીઓ થોડા દિવસોમાં જ કચરામાં જતી રહે છે, જેનાથી કાગળનો બિનજરૂરી વ્‍યય અને પર્યાવરણને નુકસાન થાય છે. આ વ્‍યર્થ ખર્ચ અને પર્યાવરણીય અસરને ધ્‍યાનમાં રાખીને સુરતના પીપલોદ વિસ્‍તારમાં રહેતા લંકાપતિ પરિવારે તેમની દીકરીના લગ્નમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી છે.

પીપલોદ નિવાસી મિતુલ લંકાપતિને વિચાર આવ્‍યો કે શા માટે લગ્નના આમંત્રણને પર્યાવરણની જાગળતિના સંદેશ સાથે જોડી ન શકાય? તેમણે નક્કી કર્યું કે પુત્રી વંશિકા લંકાપતિના ૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના લગ્નનું આમંત્રણ કોઈ કાગળ કે કાર્ડ પર નહીં, પરંતુ ઓક્‍સિજન આપનાર ઇન્‍ડોર પ્‍લાન્‍ટના કુંડા પર છાપવામાં આવશે.  આ નિર્ણય દ્વારા તેમણે બિનજરૂરી ખર્ચ અને નાણાંના વેડફાટને ટાળવાની સાથે સાથે મહેમાનો સુધી પર્યાવરણની કાળજીનો સંદેશ પણ પહોંચાડ્‍યો.આ ઇકો-ફ્રેન્‍ડલી આમંત્રણ માટે સ્‍પાઇડર પ્‍લાન્‍ટ ને પસંદ કરવામાં આવ્‍યો છે.  સ્‍પાઇડર પ્‍લાન્‍ટ એક લોકપ્રિય ઇન્‍ડોર પ્‍લાન્‍ટ છે, જે હવા શુદ્ધ કરવામાં અત્‍યંત અસરકારક ગણાય છે.

લંકાપતિ પરિવારની આ પહેલથી સમાજમાં સકારાત્‍મક ચર્ચા જાગી છે. દીકરી વંશિકા લંકાપતિએ પોતાનો આનંદ વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું કે, ‘‘મારા પિતાએ જ્‍યારે આ આઇડિયા આપ્‍યો, ત્‍યારે તે ખૂબ જ યુનિક અને ગમી ગયો હતો. લોકોને પણ ખબર પડે કે એન્‍વાયર્નમેન્‍ટલ કંકોત્રીની જરૂર છે. આ એન્‍વાયર્નમેન્‍ટલ પોર્ટ્‍સ છે, જે લોકો ઘરે પણ રાખી શકે છે.'' લંકાપતિ પરિવારની આ પહેલ એવા પરિવારો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેઓ લગ્નના પ્રસંગોમાં થતા આર્થિક વ્‍યય અને પર્યાવરણીય નુકસાન સામે ઇકો-ફ્રેન્‍ડલી વિકલ્‍પો અપનાવવા માંગે છે.

(3:40 PM IST)